દાહોદ,
વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લા વિધાન સભામાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે દાહોદ નગરપાલિકાના ત્રણ કોંગ્રેસના કાઉન્સીલરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કરી લેતાં હવે દાહોદ નગર પાલિકામાં કોંગ્રેસ માત્ર નામ પુરતી રહી છે. માત્ર એકજ વોર્ડના કાઉન્સીલર કોંગ્રેસમાં સક્રિય છે. ત્યારે આવનાર દિવસોમાં પણ આ વોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ગરબાડા તાલુકાના ઝરીબુઝુર્ગ જિલ્લા પંચાયતની સીટના સભ્યો, તાલુકા સભ્યો વિગેરે મળી તમામ ઝરીબુઝુર્ગ જિલ્લા પંચાયત સીટના હોદ્દેદારોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કરી લેતાં કોંગ્રેસમાં ભડકો થયો છે.
વિધાનસભા 2022ની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લાની કુલ 6 વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત પણ થવા લાગી છે અને એક બે વિધાનસભાને છોડી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોત પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગતરોજ ઝાલોદ વિધાનસભાના બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પુર્વ ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના નામની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ત્રણ કાઉન્સીલરો લક્ષ્મીબેન ભાંટ, કાઈદ ચુનાવાલા અને ઈસ્તીયાક સૈયદે પણ ભારતીય જનતા પાર્ટીનો ખેંસ ધારણ કરી લેતાં હવે દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસ નામ સેસ થવાના આરે છે. માત્ર દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં તસ્લીમ નલાવાલા કોંગ્રેસ સક્રિય છે. ત્યારે આ વોર્ડના કાઉન્સીલર પણ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે તેવી ચર્ચાઓ વહેતી થવા પામી છે. દાહોદ નગરપાલિકામાં હવે લગભગ વિરોધ પક્ષ નામસેસ થવાની આરે છે અને તેમાંય ખાસ કરીને વિધાનસભાની ચુંટણીના ટાણે કોંગ્રેસના સભ્યો દ્વારા બળવો પોકારી બીજેપીમાં સામેલ થતાં દાહોદ જિલ્લા કોંગ્રેસ માટે આવનાર દિવસો કપરા ચઢાણ સાબીત કરી શકે છે. ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લા પંચાયતની ગરબાડા તાલુકાના ઝરીબુઝુર્ગ જિલ્લા પંચાયત સીટના તાલુકા સભ્યોથી લઈ તમામ નાના મોટા સભ્યોએ પણ કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતાં દાહોદ જિલ્લા કોંગ્રેસમાં વિધાનસભાની ચુંટણી ટાળે ભડકો થવા પામ્યો છે. આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું શક્તિ પ્રદર્શન કરી કોંગ્રેસના કેટલાં કાર્યકર્તાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરશે તે જોવાનું રહ્યું.