દાહોદ નગરપાલિકાના મનસ્વી વહીવટનો શિકાર બનેલ એક જાગૃત નાગરિકે પાલિકાના વહીવટની પોલ ખોલતો ઓડીયો વાયરલ કરતાં ચકચાર

દાહોદ, દાહોદ નગરપાલિકાના સત્તાધીશોના લોલમ લોલ વહીવટના અહેવાલો છાશવારે અખબારોની સુરખી બની ચમકતા રહ્યા છે. ત્યારે બીજી તરફ નગરપાલિકાના મનસ્વી વહીવટનો શિકાર બનેલ દાહોદના એક જાગૃત નાગરિકે નગરપાલિકાના વહીવટની પોલ ખોલતો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તે ઓડિયો દાહોદ શહેરમાં અસંખ્ય લોકોએ સાંભળતા પાલિકા તંત્રના આવા વહીવટ સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.

તાજેતરમાં અઠવાડિયા અગાઉ પાણી તેમજ રસ્તાની સમસ્યાથી પીડાતા દાહોદના વોર્ડ નંબર 2 ના એક સજ્જને દાહોદ નગરપાલિકાના સત્તાધીશોની વહીવટીશૈલીથી નારાજ થઈ પોતાનો બળાપો વ્યક્ત કરતો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા નગરમાં મૂળભૂત સુવિધા ન આપી શકો તો સ્માર્ટ સિટી નો શું ફાયદો? તે બાબતે નગરજનોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ વહેતી થવા પામી છે.

ઓડિયોમાં પોતાની વેદના વ્યક્ત કરતા તે સજ્જને જણાવ્યું કે આપણે જ્યારે પણ કોઈ રજૂઆત નગરપાલિકાના કાઉન્સિલરને કરીએ છીએ ત્યારે આ તો સ્માર્ટ સિટીનું કામ છે. એટલે એ લોકો બધું કરશે. એટલે અમારે આમાં પડવા જેવું નથી અને અમે વચ્ચે આવી શકીએ તેમ નથી. અરે ભાઈ તમે વચ્ચે નથી આવી શકતા તો તમારી આ બોડી નું કામ શું છે? તમે શા માટે ત્યાં ટકી રહ્યા છો? નગરપાલિકામાં જ્યારે તમે કંઈ જ કામ કરી શકતા નથી, ન પાણીનું કરી શકો કે ન રસ્તાનું કરી શકો કે ન ગટરનું કરી શકો કે ના લાઈટનું કરી શકો તો પછી નગરપાલિકામાં ટકી રહેવાનું કારણ શું? તમે બધા મળીને રાજીનામું કેમ નથી આપી દેતા? તમને નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે રહેવાનો કોઈ અધિકાર જ નથી. અમે જન પ્રતિનિધિ પાસે જવાબ માગીએ છીએ. જ્યારે કોઈ બાબતે પૂછીએ છીએ તો એવું કહેવામાં આવે છે કે તમે નગરપાલિકામાં આવો, ત્યાંના ઓફિસરને વાત કરો, ફલાણા ને વાત કરો, રજૂઆત તો જે તે વિસ્તારના કાઉન્સિલરે જ કરવી પડશે. અમારા વતી અમે તમને શા માટે ચૂંટ્યા છે? તમને શા માટે કાઉન્સિલર બનાવ્યા છે? આ બધી વાતો ખોટી છે. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી મોરચો લઈ જવાનો હોય તો તે વોર્ડના કાઉન્સિલરે અમને બધાને સાથે લઈને જવું પડશે. અહીંયા જે કાઉન્સિલર છે તે કાઉન્સિલર અહીંની પ્રજાને જાગૃત કરીને સાથે લઈને જાય ને એ આગેવાની લે. તમે લોકો આવીને રજૂઆત કરો તેમ શા માટે કહેવામાં આવે છે? જ્યારે પાણી ના આવતું હોય અને ચાર ચાર દિવસે પાણી આપતા હોય તો એનો વેરો તો રોજિંદા ના હિસાબે લેવામાં આવે છે. તો આ માટે કોઈ જવાબદારી છે કે નહીં? આ બધું હવે આગળ નહીં ચાલે આટલી બધી હોંસે હોંસે વાત કરતા હતા કે, દેશમાં, સ્ટેટમાં બીજેપીનું શાસન છે. અને અહીંયા પણ બીજેપી નું શાસન હશે તો બધું જ કામ આપણું થશે. તેવી અમને લોલીપોપ આપી કૂણીયે ગોળ લગાવ્યો. સરવાળે કંઈ જ નહીં. પરિણામ શૂન્ય. આ બોર્ડ સૌથી ફેલ બોર્ડ છે. તેમ અમે કહી શકીએ અને અમારા બધામાં ચર્ચા તો આ જ છે. સમાજ તમને કેવી રીતે સહકાર આપશે? સહકારની અપેક્ષા હોય તો પહેલા કામ કરીને બતાવવું પડશે. આ તો બરોડા નથી. વડોદરાની અંદર તો કાઉન્સિલરોને લોકો જઈ જઈને મારે છે. અહીંયા એટલે સુધી તો કોઈ આવ્યું નથી. અમારી રજૂઆતને જો વ્યવસ્થિત રીતે સાંભળવામાં નહીં આવે તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે પ્રકારે કાઉન્સિલર બેન જવાબ આપે છે તે સાંભળતા સીધેસીધું દેખાઈ આવે છે કે કાં તો કાઉન્સિલરોનું નગરપાલિકામાં કંઈ ઉપજતું નથી અથવા તો આ બોડીમાં કોઈ સંકલન નથી.

બોકસ: નગર પાલિકા પ્રમુખ દવારા પોતાનો લુલો બચાવ

આ વખતની બોડીમાં ઘણા ખરા પ્રથમ વખત જ ચૂંટાઈને આવ્યા છે અને નવા છે. જેથી તેઓ કઈ રીતે જવાબ આપવો, સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું તે હજી શીખી રહ્યા છે. તેવો હાસ્યસ્પદ જવાબ આપી પોતાના કાઉન્સિલરોનો લૂલો બચાવ કર્યો હતો.