- છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડેલા ચેરમેનોની વરણી આજે કરાશે: મલાઈદાર ખાતા મેળવવા સુધરાઈ સભ્યો તલપાપડ બન્યા.
- 36 માંથી 31 ભાજપના સભ્યો હોવાથી ચેરમેનસીપને લઈને ભારે અટકળો.
- પાલિકા પ્રમુખના પદને લઈ અત્યારથી જ સોગઠા ગોઠવવાના શરૂ થયા : પ્રમુખ પદની છેલછા ધરાવનાર સભ્યો કમલમ સુધી પહોંચ્યા.
દાહોદ,દાહોદ નગરપાલિકામાં આજરોજ સામાન્ય સભા યોજાવાની છે.આ સામાન્ય સભામાં વિવિધ ચેરમેનોના પદો કેટલાય સમયથી ખાલી પડેલી હતી.તેમાં હવે પાલિકાના મહિલા પ્રમુખની પહેલી ટર્મની મુદ્દત પણ હવે પૂર્ણ થવામાં 5 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પ્રમુખની રેસમાં કેટલાક સભ્યો છેક કમલમ સુધી પહોંચી ચોખટ ચુમી રહ્યા છે. તો કેટલાક સભ્યોને તાબામાં રાખવા માટે અત્યારથી સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પાલિકાની સામાન્ય સભામાં ચેરમેનશીપની વહેંચણી કરવાની જાહેરાત છે. જોકે, ચૂંટાયેલા સભ્યો દ્વારા મલાઈદાર ખાતું મેળવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે.તો કેટલાક સભ્યોમાં અંદરો અંદરનો ગજગ્રાહ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. તેવા સંજોગામાં 31 ભાજપના સત્તા પક્ષના સુધરાઈ સભ્યોમાંથી કોણે કોણે ચેરમેનનું પદ અપાય છે. તે જોવું રહ્યું પરંતુ પાલિકા પ્રમુખનું પદ લેવા માટે અને ચેરમેનના પદ લેવા માટે નેતાઓ સુધી ચૂંટાયેલા સભ્યો ગોડફાદારોના શરણે જઈ ચોખટ ચુમી રહ્યા છે. તેમાંય જોઈએ તેવો ઉત્સાહ પાલિકાના સભ્યોમાં જોવા મળી રહ્યો નથી. ત્યારે પાછળા મહિનાઓની વાત કરવામાં આવે તો 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય હતી. જેમાં દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી બીનહરીફ રીતે ચૂંટાઈને આવેલા રીનાબેન પંચાલ ઓબીસી સમાજમાંથી આવતા હોય અને 202 ની પાલિકાની ચૂંટણીમાં પ્રમુખની સીટ સામાન્ય અનામત માટે હોવા છતાંય ભાજપના મોવડી મંડળ દ્વારા ઓબીસી સીટ પરથી ચૂંટાયેલા રીનાબેન પંચાલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં રીનાબેન પંચાલનું કાર્યકાળ પ્રમુખ પદે શરૂ થયું હતું અને તેના પણ ઘણા સમય પછી પાલિકાના સત્તા પક્ષના સભ્યોને ચેરમેન પદ અપાયું હતું. જેમાં તેમના પ્રમુખના કાર્યકાળ દરમિયાન પાલિકામાં ઘણા ઉતાર ચડાવ પણ જોવા મળ્યા હતા. કેટલાક વિખવાદ અને વિવાદો પણ સભ્યોમાં જોવા મળ્યા હતા જેમાં વોર્ડ નંબર-3 માંથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઈને આવેલા 3 સભ્યો ભાજપમાં ભળી જવાથી તેમના માંથી પણ ચેરમેન પદે પસંદગી કરાશે કે કેમ? તે સવાલો પણ ઉઠવા પામ્યા હતા. જોકે હાલ તો તેઓને ચેરમેનશિપથી બાકાત રાખ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.જયારે હવે દાહોદમાં ઠેર-ઠેર લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કે પ્રમુખના અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થવાની આરે છે. ત્યારે હવે ફરીથી પાલિકાના સત્તા પક્ષના અંદાજીત 17 સભ્યોને ચેરમેન પદે બિરાજમાન કરાશે. ત્યારે પાલિકાની આ જાહેરાતને લઈને 15 મી એપ્રિલે યોજાનારી સામાન્ય સભામાં સત્તા પક્ષના ચેરમેન બનનારા 17 સભ્યોના મોઢે ખુશીની મહેક ઉઠવા પામે છે કે નહિ તે જોવું રહ્યું. જેમાં જાણવા મળ્યા મુજબ મળનારી સામાન્ય સભામાં 5 જુના અને 12 નવા ચહેરાઓની ચેરમેન પદે પસંદગી કરાશે. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલની પરિસ્થિતિમાં દાહોદ નગરપાલિકામાં સુધરી સભ્યોમાં ચારથી પાંચ જૂથો ચાલી રહ્યા છે અને તેમાં તેમના અંદરો અંદરનો વિખવાદ સામાન્ય સભામાં પણ નરી આંખે જોવા મળ્યો હતો. પાલિકામાં સુધરાઈ સભ્યો ભલે જાહેરમાં કહેતા હોય કે અમે સૌ એક છીએ પરંતુ વાસ્તવિકતામાં સુધરી સભ્યો વચ્ચે બધું સામાન્ય નથી. તે પણ એક વાસ્તવિકતા છે. તો પ્રમુખ પદ તરીકે રીનાબેન પંચાલ પધસ્થ છે પરંતુ બહારની ચર્ચાઓ મુજબ પ્રમુખ ની ઉપર સુપર પ્રમુખ ચાલી રહ્યા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. ખેર વાસ્તવિકતા જે પણ હોય પરંતુ ચેરમેનશિપની વરણી તેમજ પ્રમુખ પદને લઈ આગામી સમયમાં દાહોદ નગર પાલિકામાં ભારે ગરમા ગરમી તેમજ બગાવતના સૂર જોવા મળે તો તેમાં કોઈ બેમત નથી.