- વર્તમાન પ્રમુખ જૂથ તેમજ વિરોધી જૂથ બંનેએ પોતપોતાની રીતે રજૂઆતો કરી,
- ઘીના ઠામમાં ઘી ઠરશે કે પછી.? આગળ વિરોધ યથાવત રહેશે?
દાહોદ નગરપાલિકામાં છેલ્લા 50 દિવસ કરતાં પણ વધુ દિવસથી જૂથબંધી તેની ચરમસીમા વટાવી ચુકી છે. ઘરની વાત ઘરમાં જ સમાધાન થકી ઉકેલાય તેવા ભાજપના તમામ મોવડી મંડળનો પનો ટૂંકો પડતા આજે દાહોદના પ્રભારી અને મંત્રી ગોવર્ધનભાઈ ઝડફિયા દાહોદ ખાતે દોડી આવ્યા હતા.અને બંને જૂથના સુધરાઈ સદસ્યોને રૂબરૂ સાંભળી નગરપાલિકાના ઉભા થયેલા વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આંતરિક ગમાં અણગમાને બાજુએ મૂકી પ્રજા આક્રોશનો ભોગ ન બનાય તેવી રીતે કાર્ય કરી વિકાસને વેગ આપવાની વાત કરી હતી તો બીજી તરફ એક અનૌપચારિક મુલાકાતમાં પ્રભારી ઝડફીયાએ પાલિકામાં ઊભી થયેલી અને ચરમસીમા વટાવેલી જૂથબંધની શું નિર્ણય લેવાયો એવું પૂછતા જ પાર્લામેન્ટ્રી બોર્ડે આઠ માસ પૂર્વે લીધેલા નિર્ણય એ એક જ સર્વોપરી છે.
ત્યાર પછી બીજો કોઈ નિર્ણય લેવાયો નથી તેવી ગર્ભિત ઈશારો આપી થોડામાં ઘણું બધું કહી દીધું હતું. પ્રમુખ બદલવાની માંગણી કરતા 24 સુધરાઈ સદસ્યોને રાજકીય પાઠની શીખ અપાઇ હોવાનું તથા હાલના પ્રમુખના જૂથને પણ સૌને સાથે લઈ ચાલવાની શીખ અપાઈ હોવાનું જણાવ્યું હોવાનું આધારભૂત સૂત્ર માંથી જાણવા મળેલ છે. ત્યારે આ સંજોગોમાં પ્રમુખ સામે વિરોધની તલવાર ખેંચનાર સુધરાઈ સભ્યો હથિયાર હેઠા મૂકી પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય ગણશે કે આવનારા સમયમાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવી અથવા રાજીનામું મુકશે ? તે જોવું હવે રસપ્રદ બની રહેશે.