દાહોદ નગરમાં પીવાનુંં પાણી પુરુ પાડવામાં વામણી સાબિત થઈ

દાહોદ,દાહોદ શહેર એક તરફ સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અને તંત્ર દ્વારા દાહોદ વાસીઓને પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાતો જોરશોરથી કરવામાં આવી રહી છે. તેમ છતાં દાહોદ પાલિકા નગરજનોને પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા રોજ રોજ પૂરી પાડવામાં હજી એ વામણી પુરવાર થઈ રહી છે. હાલ તો દાહોદ શહેરને પીવાનું પાણી પૂરૂં પાડવા માટે બબ્બે ડેમો જેવા કે પાટાડુંગરી જળાશય તેમજ કડાણા ડેમમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે માત્ર પાટાડુંગરી માંથી જ પાણી આપવામાં આવતું હતું. ત્યારે પણ હાલમાં જે રીતે પાણીનો પુરવઠો આપવામાં આવે છે તે જ રીતે આપવામાં આવતો હતો. શહેરનો વિસ્તાર અને વ્યાપ તેમજ વસ્તી વધતા પાણીની માંગ વધતા હવે તો બબ્બે ડેમોમાંથી પાણી આપવામાં આવે છે.

અને કુદરતની કૃપાથી ગત ચોમાસામાં સારો વરસાદ થતાં બંને ડેમો છલકાયા હતા. 15 ઓગસ્ટ તેમજ 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય દિવસે ધ્વજવંદન બાદ મંચ પરથી જે તે પાલિકા પ્રમુખ દ્વારા વર્ષોથી દાહોદના નગરજનોને રોજ પાણી આપવાનો પ્રયાસ ચાલુ હોવાની મોટી મોટી વાતો અને વાયદા કરવામાં આવ્યા પરંતુ આ વચનો અને વાયદા હજી સુધી માત્ર ભાષણ પૂરતા જ સીમિત બનીને રહી જવા પામ્યા છે. પાણીનો મામલો માત્ર દાહોદ શહેરનોજ નહીં પણ સમસ્ત દાહોદ જીલ્લાનો છે. દાહોદ જીલ્લામાં “ઘર ઘર નળ ઘર ઘર જળ” નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા જીલ્લામાં કરોડોના ખર્ચે નળશે જળ યોજના શરૂ કરવામાં આવી અને આ યોજના ભ્રષ્ટ અધિકારીઓ તેમજ કટકી બાજ નેતાઓના પાપે દાહોદ જીલ્લામાં જોઈએ તેટલી સફળ ન થતા ઘર ઘર નળ દ્વારા ઘર ઘર જળ પહોંચાડવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું રોળાયુ છે. દાહોદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નળસે જળ યોજના માટે કેટલીક જગ્યાએ લાઈનો તો જરૂર ખોદાયી છે અને કેટલીક જગ્યાએ તો પાઇપો પણ નાખી દેવામાં આવી છે. અને મોટાભાગની જગ્યાએ તો પાઇપ વગર નળ માટેના સ્ટેન્ડ ઉભા કરી તેના પર ચકલી પણ બેસાડી દેવામાં આવી છે. આ કામોમાં એટલી હદે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કે બે વર્ષ બાદ પણ ’નળ ખોલતા જ તમારા ઘરે પાણી આવશે’ તેવું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ પ્રજાને આપેલ વચન પણ હાલ પોકળ સાબિત થતું જોવા મળી રહ્યું છે. ગત દિવસોમાં જીલ્લામાં વાસ્મોની નળસે જળ યોજનામાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારના અહેવાલો અખબારોની સુરખી બની ચમકતા સહસા જાગી ઉઠેલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાને લઈ વિવિધ બેઠકો યોજી આ મામલે ચર્ચા કરી આ યોજનાને જેમ બને તેમ વહેલી તકે પૂર્ણ કરી ગ્રામજનોને ઘેર ઘેર નળ દ્વારા પાણી પહોંચાડવાની તાકીદ કરવામાં આવી હતી. આ તાકીદની પણ આજ દિન સુધી કોઈ અસર જોવા મળતી નથી. આ મામલે ગ્રામ્ય જનોને પૂછતા આ કામમાં પૈસા ખવાઈ ગયા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જીલ્લાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવાની જવાબદારી જે તે ધારાસભ્યોની તેમજ સાંસદની પણ છે તે સનાતન સત્ય છે. જીલ્લામાં તમામ ધારાસભ્ય તેમજ સાંસદ ભાજપના છે. ત્રણેય નગરપાલિકાઓમાં પણ ભાજપનું શાસન છે. રાજ્યમાં તેમજ દેશમાં પણ ભાજપનું શાસન છે. તેમ છતાં ગ્રામ્ય જનતા પીવાના પાણી માટે મુશ્કેલીઓ વેઠે છે, તે ખરેખર ચિંતાજનક છે. હાલ ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં પણ માછણ ડેમમાંથી ફિલ્ટર કર્યા વિનાનું પાણી આપવામાં આવતું હોવાની વ્યાપક બુમો ઉઠવા પામી છે. ત્યારે દાહોદ શહેર તથા જીલ્લાની જનતાને પાયાની જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા નિર્વિઘ્ને, નિયમિત રીતે પ્રદાન કરવા માટે સુચારૂ અને પરિણામલક્ષી આયોજન કરવામાં આવે તેવી લાગણી અને માગણી છે.