- સ્વસહાય જુથની મહિલાઓ દ્વારા નવરાત્રીને લગતી કલાત્મક વસ્તુઓનું સાત દિવસ સુધી થશે વેચાણ
દાહોદ, જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ આજે દાહોદ નગરના ગોવિંદનગર વિસ્તારમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજીત નવરાત્રી મેળા 2022નો પ્રારંભ કર્યો છે. અહીં સ્વસહાય જુથની મહિલાઓએ બનાવેલી કલાત્મક ચીજવસ્તુઓનું આગામી તા. 29 સપ્ટેમ્બર સુધી વેચાણ કરાશે.
દાહોદનાં ગોવિંદ નગર ખાતે આશાર્વાદ ઇમેજિંગ સેન્ટરની સામે જ્ઞાનદીપ ખાતે નવરાત્રી મેળા અંતર્ગત 8 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં ચણીયા ચોળી, ઇમિટેશન જવેલરી, હેન્ડમેડ જવેલરી, દાંડિયા, કુર્તિ, પાઉચ, પર્સ, ટેન્ગીંગ, હોમ ડેકોરેટીવ આઇટમ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજવસ્તુઓનું આજથી વેચાણ શરૂ કરાયું છે. આ નવરાત્રી મેળો આગામી તા. 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.
જીલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ સ્વસહાય જુથની મહિલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમણે તૈયાર કરેલી સુંદર કલાત્મક સામગ્રીને બિરદાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, દાહોદનાં નાગરિકો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ભાગ લે અને ખૂબ પરિશ્રમ બાદ તૈયાર કરાયેલી અહીંની કલાત્મક વસ્તુઓની ખરીદી કરે અને ગ્રામ્ય અંર્થતંત્ર અને મહિલા સશક્તિકરણને વેગ આપે.
આજના પ્રથમ દિવસે જ નગરજનો મોટી સંખ્યામાં આ નવરાત્રી મેળામાં ઉમટી પડયા હતા અને નવરાત્રીને લગતી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
આ વેળાએ ડીઆરડીએ નિયામક પટેલ, સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીઓ તેમજ નગરપાલિકાના સભ્યઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.