- મહિલાઓ સહિત 103 જેટલા નગરજનોએ તાલીમનો લાભ લીધો.
દાહોદ,
નાયબ બાગાયત નિયામકની કચેરી દાહોદ અને એન.એમ. સદગુરૂ ફાઉન્ડેશન, દાહોદના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ યોજના અંતર્ગત કિચન ગાર્ડન,ટેરેસ ગાર્ડન અને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ ગત રોજ યોજવામાં આવી હતી. જેમાં દાહોદ નગરના નગરજનો તેમજ બહેનો હાજર રહી 103 જેટલા તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે.
બાગાયત ખાતાના અધિકારીઓ દ્વારા પોતાના ઘર આંગણે રહેલ જગ્યા તેમજ ધાબા ઉપર કે ગેલેરી અને પાર્કિંગ જેવી વધારાની જગ્યાઓમાં ઘર આંગણે શાકભાજીનું વાવેતર કઈ રીતે કરવું તે અંગેના વિવિધ વિષયો ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
બાગાયત અધિકારી શંકરભાઈ વસાવા દ્વારા ઘર આંગણે શાકભાજીનું ધરૂં કેવી રીતે ઉછેરી શકાય તેમજ વિવિધ સોઇલ મીડિયા વિશે સંપૂર્ણ સમજ આપવામા આવી તથા કિચન ગાર્ડનમાં પાણી અને ખાતરના વ્યવસ્થાપન વિશેની સંપૂર્ણ માહિતી આપી.
બાગાયત અધિકારી ભાવિનભાઈ પરમાર દ્વારા ઋતુ અનુસાર ઉનાળો, શિયાળો અને ચોમાસાની સિઝનમાં કયા કયા પાકો ઉછેરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી.
અંતમાં નાયબ બાગાયત નિયામક એચ બી પારેખ દ્વારા પ્રાકૃતિક કૃષિના જિવામૃત, બીજામૃત, આછાદાન જેવા સિધ્ધાંતો દ્વારા ખેડૂતો ઓછા ખર્ચથી સારી આવક મેળવી શકે છે અને કિચન ગાર્ડન દ્વારા રોગ અને જીવાતનું વ્યવસ્થાપન તેમજ કિચનગાર્ડનમાં નેટ હાઉસ, ડ્રીપ ઈરીગેશન જેવી હાઇટેક ટેકનોલોજી દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસમાં કેવી રીતે શાકભાજીનું ઉછેર કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
એન.એમ. સદ્દગુરૂ ફાઉન્ડેશન, દાહોદ દ્વારા તાલીમાર્થીઓ માટે વિવિધ વ્યવસ્થાઓ પૂરી પાડેલ છે અને કાર્યક્રમના અંતે દરેક તાલીમાર્થીઓને વિવિધ શાકભાજીના બિયારણ, દિવેલી ખોળ તેમજ શરબતી લીંબુના છોડનું વિતરણ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કિચન ગાર્ડન માટે જરૂરી સાધન સામગ્રી જેમ કે કોકોપીટ દિવેલી ખોળ છાણીયું ખાતર લાલ માટી અળસિયાનું ખાતર જેવા સોઇલ લેસ મીડિયા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણો છોડ ઉછેરવા માટે ગ્રોઇંગ બેગ ધરૂ ઉછેરવા માટે પ્લગ ટ્રે અને શાકભાજીના ધરૂં જેવા કે મરચી ટામેટી કોબીજ ફુલેવર અને રીંગણ ના ધરૂં નું પ્રદર્શન પણ ગોઠવવામાં આવેલ હતું.