દાહોદના યુવકને સોશ્યલ મીડીયા દ્વારા હોટલની રિવ્યનું કમાણી લાલચ આપી 22 લાખ પડાવી લેવાના કિસ્સામાં બે ઈસમોને સુરતથી ઝડપ્યા

દાહોદ શહેરમાં 9 જેટલા અજાણ્યા ફ્રોડ ઈસમોએ એક 30 વર્ષિય યુવકને સોશીયલ મીડીયા ટેલીગ્રામના માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપી કમાણીની લાલચ આપી યુવકને વિશ્ર્વાસમાં લીધા બાદ ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વ્યાજની ખોટી લાલચ આપી યુવક પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂા.22,19,188 અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્ફર કરાવી વિશ્ર્વાસઘાત છેતરપીંડી કરતાં આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ ખાતે યુવકે ફરિયાદ નોંધાંવી હતી ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આ ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને સુરત ખાતેથી ઝડપી પાડવામાં સફળતાં સાંપડે છે. ઝડપાયેલ આરોપીઓને દાહોદની કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા બંન્ને આરોપીઓના 03 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના ગોદી રોડ ખાતે કે.જી. કોમ્પલેક્ષ ઈજજી મોહલ્લા ખાતે રહેતાં 30 વર્ષિય જુઝેરભાઈ નુરાનીભાઈ મલેકને ગત તા.13.05.2024 થી તારીખ 15.05.2024ના સમયગાળા દરમ્યાન 09 જેટલા અલગ અલગ ફ્રોડ ઈસમોએ સોશીયલ મીડીયાના ટેલીગ્રામ તેમજ વોટ્સ એપ માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપ્યાં હતાં. જેમાં કમાણીની લાલચ આપી હતી. જુઝેરભાઈને વિશ્વાસમાં લઈ ટેલીગ્રામ પર વેબસાઈટ ફેક વેબ પેજ બનાવી ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લઈ 09 જેટલા ફ્રોડ ઈસમોએ પોતાના વોટ્સ માધ્યમથી અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર તેમજ આઈએફસી કોડ આપી તેમાં અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂા.22,19,188ની રકમ જુઝેરભાઈના બેન્ક ખાતામાંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં.

સમય વિતતો ગયો અને પોતાનું કામ ન થતાં જુઝેરભાઈ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં આ અંગેની જાણ જુઝેરભાઈએ પોતાના સગા,સંબંધીઓને કરતાં તમામમાં આશ્ચર્ય સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. આ સંબંધે જુઝેરભાઈ નુરાનીભાઈ મલેક દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદ દ્વારા આ બનાવની ઝીણવટપુર્વક તપાસ હાથ ધરી હતી અને જેમાં ઝીણવટભરી રીતે બેન્ક ખાતાઓ કોલ ટીડેલ તેમજ ટેલીગ્રામનું ટેકનિકલ એનાલીસીસ કરતાં પોલીસને જણાઈ આવ્યું હતું કે, જુઝેરભાઈએ તા.15.05.2024ના રોજ સામાવાળાના બેન્ક એકાઉન્ટમાં રૂા.5,19,810 ટ્રાન્સફર કરેલ જેમાના રૂપીયા 2,00,000 તારીખ 15.05.2024ના રોજ આરોપી સાહિલભાઈ બકુલભાઈ ભાદાણી (રહે. કામરેજ,નવાગામ, સુરત)ના એકાઉન્ટમાં જમા થયેલ હતા.

જે આ નાણાં સુરત ખાતેથી સેલ્ફ ચેક વીડ્રો કર્યા હતાં. ત્યારે આ બનાવમાં બીજા આરોપી વૈભવભાઈ બાબુભાઈ દુધાત્રાએ અન્ય આરોપીઓની મદદ લઈ વીડ્રો કરેલ રકમ મુખ્ય આરોપીઓને કમીશન લઈ આપી દીધેલ હતાં. આમ, સાયબર ક્રાઈમ પોલીસ, દાહોદે ઉપરોક્ત બંન્ને આરોપીઓને સુરત ખાતેથી દબોચી લઈ દાહોદ લઈ આવ્યાં હતાં.

પોલીસે આરોપી સાહિલભાઈ બકુલભાઈ ભાદાણી અને વૈભવભાઈ બાબુભાઈ દુધાત્રાને દાહોદની કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. ત્યારે કોર્ટ દ્વારા આ બંન્ને આરોપીઓના 03 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. ત્રણ દિવસના રિમાન્ડ દરમ્યાન આ ટોળકીના અન્ય સાગરીતોને પણ પોલીસ ઝડપી પાડશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આરોપીઓની ટોળકીઓનો પર્દાફાર્શ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.