દાહો દદાહોદ શહેરમાં આવેલ વોર્ડ નંબર 09ના વિસ્તારમાં સવારથી સાંજ સુધી ટ્રાફિક જામના ભારે દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. વાહન ચાલકો ટ્રાફિક જવાનોને ગાંઠતાં પણ નથી અને ઘણી વખત વાહન ચાલકો અને ટ્રાફિક જવાનો વચ્ચે તુ.. તું.. મૈં..મૈં.. ના દ્રશ્યો પણ સર્જાતાં રહે છે. આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા આ વિસ્તારમાં થતાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સ્થાનીક વહીવટી તંત્રથી લઈ ટ્રાફિક પોલીસને અનેકવાર રજુઆત કરવા છતાંય આજદિન સુધી આ વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતાં સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
દાહોદ સ્માર્ટ સીટીમાં ટ્રાફિકની સમસ્યા કોઈ નવી નથી. દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી હાલ આદિવાસી સમાજમાં લગ્નની સિઝન ચાલતી હોય અને તેવા સમયે દાહોદ શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાન જિલ્લાના લોકો પણ દાહોદ શહેરમાં ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યાં છે. લગ્નગાળાની સિઝનમાં હાલ દાહોદના બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે દાહોદ શહેરમાં વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે તેમાંય ખાસ કરીને દાહોદ શહેરના વોર્ડ નંબર 09માં આવેલ બંદુકવાડની ગલી, બહારપુરા કીકલાવાલાની ચક્કી જતો રસ્તો, દૌલતગંજ બજાર કોર્ટ નાકુ સહિતના વિસ્તારોમાં ભારે વાહનોની સતત અવર જવરના કારણે સવારથી સાંજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. બોર્ડની પરીક્ષાઓ દરમ્યાન પણ ઘણી વખત ટ્રાફિક જામના દ્રશ્યોને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ વિસ્તારમાં ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ હોવા છતાંય તંત્રની નજર રહેમ હેઠળ સતત ચોવીસે કલાક આ વિસ્તારમાંથી ભારે વાહનો પસાર થઈ રહ્યાં છે. ઘણી વખત વાહન ચાલકો અને ટ્રાફિક જવાનો વચ્ચે શાબ્દિક તકરારો પણ જોવા મળતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક જવાનોને ગાંઠતાં નથી. ઘણી વખત 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ જેવા ઈમરજન્સી વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જવાને કારણે 108 ઈમરજન્સી એમ્બ્યુલંશમાં સવાર દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ મામલે દાહોદ શહેર ભાજપના પુર્વ પ્રમુખ અને અગ્રણી વેપારી એવા કમલેશભાઈ રાઠી દ્વારા તેમજ સ્થાનીક લોકો દ્વારા આ મામલે સંબંધિત તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાંય આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવવા પામ્યું નથી. ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તેવી લાગણી અને માંગણી આ વિસ્તારના રહીશો તેમજ વેપારીઓમાં ઉઠવા પામી છે.