દાહોદ, દાહોદ શહેરના વોર્ડ નંબર-05 સાંસીવાડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર ફેલાતાં સ્થાનીકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સ્થાનીકોના જણાવ્યાં અનુસાર, આ મામલે દાહોદ નગરપાલિકાને અનેકવાર રજુઆત કરવા છતાંય આ વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી નથી. ગટરના ઉભરાતા ગંદા પાણીને પગલે સ્થાનીકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દાહોદ શહેર સ્માર્ટ સીટી બન્યાને વર્ષો વિતી ગયાં છે ત્યારે દાહોદ શહેરમાં આંખે વળગીને ઉડે તેવી કામગીરી ભાગ્યેજ જોવા મળી રહી છે. માત્ર રસ્તાઓને પહોળા કરવાની કામગીરી સિવાય દાહોદ શહેરમાં જાહેર જનતાની સુખાકારીને ધ્યાનમાં રાખી કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની છડેચોક ફરિયાદો ઉઠવા પામી છે. દાહોદ શહેરમાં સ્વચ્છતાના નામે માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. દાહોદ શહેરના ઘણા એવા વિસ્તારો છે જ્યાં સાફ સફાઈના મામલે દાહોદ નગરપાલિકા વામળુ પુરવાર થઈ રહ્યું છે. દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં કચરાના ઢગલા, ગંદકી, ઉભરાતી ગટરોને કારણે જાહેર જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દાહોદ શહેરના વોર્ડ નંબર-05 સાંસીવાડ ખાતે છેલ્લા કેટલાંક દિવસોથી આ વિસ્તારમાં આવેલ ગટરનો ગંદા પાણી ઉભરાતા રહે છે અને આ ગટરના ગંદા પાણી જાહેર રસ્તા પર ઢોળાતાં અહીંના સ્થાનીક લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણી વિસ્તારના લોકોના ઘર સુધી પહોંચી જાય છે. જેને કારણે અહીંના સ્થાનીક લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આ વિસ્તારમાં સફાઈના મામલે આ વિસ્તારના લોકો દ્વારા દાહોદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં ન આવી હોવાના આક્ષેપો આ વિસ્તારના લોકો કરી રહ્યાં છે. ત્યારે આવા કેટલા વિસ્તારમાં રહીશોને ગંદકીનો સામનો કરવો પડતો હશે ? તે વિચાર માંગી લેતો પ્રશ્ર્ન છે ત્યારે દાહોદ શહેરના વોર્ડ નંબર-05માં તંત્ર દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી આ વિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.