દાહોદના વાવડા ગામે કુવામાંં દિપડાનું બચ્ચું પડી જતાં પ્રકૃતિ મંડળ અને વન કર્મચારી દ્વારા રેસ્કયુ કરાયું

દાહોદ, દાહોદ તાલુકાના વાવકા નજીક એક ઉંડા કુવામાં દીપડાનું નાનુ બચ્ચુ પડી જતાં આ અંગેની જાણ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદને કરવામાં આવતાં પ્રકૃતિ મિત્ર મંડળના સદસ્યોએ વન વિભાગના કર્મચારીઓની મદદથી સ્થળ પર પહોંચી જઈ ભારે જહેમત બાદ દિપડાના બચ્ચાને કુવામાંથી હેમખેમ બહાર કાઢી પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.

દાહોદ તાલુકાના બાવકા ગામે રાત્રીના સમયે એક ત્રીસ ફુટ ઉંડા અને આશરે પાંચ ફુટ પહોળા કુવામાં દિપડાનું ત્રણેક મહિનાનું બચ્ચુ પડી ગયું હતું. આ અંગેની જાણ સ્થાનીકોને થતાં સ્થાનીકોએ આ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળને જાણ કરી હતી. દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના સદસ્યોએ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમને સાથે રાખી સ્થળ પર પહોંચી ગયાં હતાં. રાત્રીના સમયે પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ તથા ઓલ એનીમલ રેસ્ક્યુ ટીમ દ્વારા ત્રણ કલાકની ભારે જહેમત બાદ દિપડાના બચ્ચાને હેમખેમ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ અંગેની જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓને કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયાં હતાં. દિપડાના બચ્ચાને પ્રાથમીક સારવાર માટે પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ દિપડાના બચ્ચાને સારવાર આપી હતી. આ દિપડાના બચ્ચાને વધુ સાર સંભાળ મળે અને તે સ્વસ્થ્ય થાય ત્યાં સુધી આ દિપડાના બચ્ચાને પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ ખાતે રાખવામાં આવશે.