દાહોદના વાંકીયા ગામે છોકરી ભગાડી જવાના મામલે છોકરીપક્ષે છોકરી સોંપવા મારામારી કરી સળગાવી દેતાં ચાર લાખનું નુકશાન

દાહોદ, દાહોદ તાલુકાના વાંકીયા ગામે નાહણી ફળિયામાં છોકરીના મામલે છોકરી પક્ષના પાંચ ઈસમોએ છોકરા પક્ષના ઘરે જઈ છોકરી સોંપી દેવાનું કહી ગાળો બોલી છોકરાની માતાનો મારમારી ઘર પર બોટલમાંથી તેલ છાંટી દિવાસળી સાંપી સળગાવી દેતા રોકડા, દાગીના, અનાજ તથા ઘરવખરીનો સરસામાન બળી જતાં અંદાજે રૂપિયા 4 લાખનું નુકશાન થયાનું જાણવા મળ્યું છે.

વાકીયા ગામના નાહણી ફળિયામાં રહેતા કટારા કટુંબના કાળુભાઈ બચુભાઈ, વજીયાભાઈ બચુભાઈ, વિનુભાઈ બરાભાઈ, કનુભાઈ માનસીંગભભાઈ તથા માજુભાઈ કેશાભાઈ વગેરેએ ગત તા. 8-12- 2023ના રોજ સવારના દશ વાગ્યાના સુમારે ભેગા મળી એક સંપ કરી તેમના ફળીયામાં રહેતા અંજલબેન સમસુભાઈ કટારાના ઘરે આવી બેફામ ગાળો બોલી તમો અમારી છોકરીને સોંપી દો. તેવું કહેતા અંજલબેન કહેલ કે છોકરી મળશે તો સોંપી દઈશું તેમ કહેતા ઉપરોક્ત પાંચે જણા ઉશ્કેરાયા હતા અને ગાળો બોલી અંજલબેન કટારાને ગડદાપાટુનો મારામારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ માજુભાઈ કેશવભાઈ કટારાએ બોટલમાંથી અંજલબેન કટારાના ઘર પર તેલ છાંટ્યુ હતું અને વિનુભાઈ બરાભાઈ કટારાએ ઘરને દિવાસળી ચાંપી દેતા લાગેલ આગમાં મૂકી રાખેલ રૂપિયા 50 હજારની રોકડ, ચાંદીના દાગીના મકાઈ તેમજ ડાંગર તથા ઘરનો સરસામાન સંપૂર્ણ બળી જતાં અંદાજે રૂપિયા ચાર લાખનું નુકશાન થવા પામ્યું હતું.

આ સંબંધે વાકીયા ગામના નાહણી ફળીયામાં રહેતી અંજલબેન સમસુભાઈ કટારાએ તેમના ફળિયામાં રહેતા તેમના કુટુંબના કાળુભાઈ બચુભાઈ વજીયાભાઈ બચુભાઈ, વિનુભાઈ બચુભાઈ, કનુભાઈ માનસીંગભાઈ, તથા માજુભાઈ કેશાભાઈ વિરૂધ્ધ કતવારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 323, 143, 436, 504 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.