દાહોદ,દાહોદ તાલુકાના ઉકરડી ગામે રહેતાં અને રીટાયર્ડ ફોરમેન અંદાજે 65 વર્ષીય માનસીંગભાઈ વહોનીયાનું મૃત્યુ નીપજતાં તેઓને સંતાનમાં કોઈ પુત્ર ન હોવાથી તેઓની પાંચ પુત્રીઓ પિતાને અગ્નિદાહ આપતાં સૌ કોઈની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી.
દિકરી તો વ્હાલનો દરીયો અને કળયુગમાં સતયુગ છે દીકરી.. કહેવતને આજે દાહોદ તાલુકાના ઉકરડી ગામે રહેતાં સ્વ. માનસીંગભાઈ વહોનીયાની પાંચ દિકરીઓએ સાબીત કરી બતાવી છે. માનસીંગભાઈને સંતાનમાં કોઈ દીકરો ન હતો પરંતુ દિકરાઓ સમાન પાંચ દિકરીઓ છે. માનસીંગભાઈની દિકરીઓમાં 35 વર્ષીય મીનાબેન, 30 વર્ષીય ટીનાબેન, 32 વર્ષીય પિન્કીબેન, 26 વર્ષીય સુરેખાબેન અને 24 વર્ષિય સોનુબેન આમ પાંચ દિકરીઓ છે. જેમાં માત્ર 24 વર્ષિય સોનુબેન અપરણિત બાકી અન્ય પુત્રીઓ પરણિત છે. માનસીંગભાઈ ફોરમેન તરીકે ફરજ બજાવતાં હતાં અને રીટાયર્ડ થઈ ચુક્યાં હતાં. બે વર્ષ પૂર્વે માનસીંગભાઈની પત્નિ મંગળીબેનનું અવસાન થતાં પ્રથમ તો પાંચેય પુત્રીઓએ પોતાની માતાને ગુમાવી મુકી હતી. ત્યારે છેલ્લા કેટલાંય સમયથી માનસીંગભાઈની પણ તબીયત સારી રહેતી ન હતી અને આખરે ગતરોજ માનસીંગભાઈનું પણ કુદરતી મોત નીપજ્યું હતું. પાંચેય દિકરીઓએ માતા-પિતાની છત્ર ગુમાવી બેઠા હતાં. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પિતાને અગ્નિદાહ તેઓના પુત્ર આપતાં હોય છે, પરંતુ માનસીંગભાઈને પુત્ર ન હોવાને કારણે તેઓની પુત્ર સમાન પાંચ દિકરીઓએ પિતાને અગ્નિદાહ આપવાનું નક્કી કર્યુ. ત્યારે આજરોજ પાંચેય પુત્રીઓ પોતાના પિતાની અંતિમ યાત્રામાં જોડાઈ હતી અને દાહોદ શહેરમાં આવેલ સ્માશાન ગૃહ ખાતે પોતાના પિતાના પ્રાથિવ દેહને લઈને સમાજના લોકો સાથે પુત્રીઓ પહોંચી હતી. પાંચેય પુત્રીઓએ અશ્રુભીની આંખો સાથે પોતાના પિતાને અગ્નિદાહ આપતાં ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.