દાહોદના ટાઢાગોળ ગામે નવા બનતા કોરીડોર રસ્તા ઉપર વોચ દરમિયાન એકસયુવી કાર માંથી 1.29 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ગતરોજ મોડી સાંજે ચાકલિયા પોલીસે ટાઢાગોળા ગામે નવા બનતા કોરીડોર રસ્તા પરથી જરૂરી વોચ દરમિયાન રૂપિયા 1.29 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂબિયરના જથ્થા સાથે મહિન્દ્રા કંપનીની એક્સ.યુ.વી. કાર ઝડપી પાડી રૂપિયા બે લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા 3,29480/- ના મુદ્દામાલ સાથે કારના ચાલકની અટકાયત કર્યાનું પોલીસ વર્તુલો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાની ચાકલીયા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહેન્દ્રા કંપનીની જીજે.20.એએચ.2574 નંબરની એક્સ યુ વી કાર મધ્યપ્રદેશ બાજુથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરી ચાકલીયા તરફ આવતી હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે ચાકલિયા પોલીસ ટાઢા ગોળા ગામે નવીન બનતા કોરીડોર રસ્તા પર ગુપ્ત વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોતી ઉભી હતી. તે દરમિયાન મોડી સાંજના સવા સાત વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબર વાળી મહેન્દ્રા કંપનીની એક્સ.યુ.વી. કાર નજીક આવતા જ વોચમાં ઉભેલ ચાકલીયા પોલીસે કારને હાથનો ઇશારો કરી ઉભી રખાવી કારની તલાસી લઈ કારમાંથી લંડન પ્રાઈડ વિસ્કીની રૂપિયા 1,06,080/-ની કુલ કિંમતની પેટીઓ નંગ-13 માં ભરેલ બોટલ નંગ 624 તથા રૂપિયા 23,400/- ની કુલ કિંમતના માઉન્ટસ બિયરના ટીન નંગ- 180 મળી કુલ રૂપિયા 1,29,480/- ની કુલ કિંમતના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ-804 પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા બે લાખની કિંમતની મહિન્દ્રા કંપનીની એક્સ યુ વી કાર મળી કુલ રૂપિયા 3,29480/- ના મુદ્દામાલ સાથે એક્સ યુ વી કારના ચાલક દિલીપભાઈ કાળુભાઈ ભાભોરની અટકાયત કરી તેના વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ? અને ક્યાં પહોંચાડવાનો હતો ? તે બાબતની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.