દાહોદના તળાવ વિસ્તાર અને દેસાઈવાડા માંથી ખાણી-પીણીની લારીઓને જે.સી.બી.દ્વારા ઉપાડી લેવાતા નાના વેપારીઓમાં ભારે રોષ

દાહોદ શહેરમાં આવેલ તળાવ વિસ્તાર એટલે કે દેસાઈવાડ વિસ્તાર તરફ ગત રોજ રાત્રિના સમયે અચાનક નગરપાલિકાના અધિકારીઓએ ધામા નાખ્યા હતા અને આ વિસ્તારમાં આવેલ ખાણીપીણીની લારીઓને જેસીબી મશીનથી ઊંચકી ટ્રેક્ટર માં ભરી લઈ જતા દબાણો ખસેડવાની કામગીરી કરાતા આ વિસ્તારમાં રોજગારી ધંધો કરતા નાના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે બીજી તરફ વેપારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક તું..તું..મૈ..મૈ.. ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

દાહોદ શહેરને સ્માર્ટ સિટી બન્યા ને વર્ષો વીતી ગયા પરંતુ દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીના નામે આખી વળગીને ઉડે તેવી કોઈ કામગીરી અત્યાર સુધી જોવા મળી નથી ત્યારે દાહોદ નગરપાલિકાના સત્તાધીશો કચરો જ રાત્રિના સમયે અચાનક જ શહેરના તળાવ વિસ્તાર એટલે કે દેસાઈવાળ વિસ્તાર તરફ જેસીબી તેમજ ટ્રેક્ટર લઈ પહોંચી ગયા હતા જ્યાં ખાણીપીણીની લારીઓ તેમજ દુકાનો ચલાવતા નાના વેપારીઓના લારી ગલ્લા જેસીબી મશીનથી ઉપાડી ટ્રેક્ટરમાં ભરવા લાગ્યા હતા અને લઈ ગયા હતા.

દબાણો દૂર કરવાની આ કામગીરીને પગલે આ વિસ્તારના નાના વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વેપારીઓનો મિજાજ પારખી ગયેલ નગરપાલિકાના સત્તાધીશો સ્થળ પરથી રવાના થઈ ગયા હતા ત્યારે આ વિસ્તારના નાના વેપારીઓના જણાવ્યા અનુસાર પાલિકા તંત્ર દ્વારા આગોતરી કોઈપણ જાણ કરવામાં આવી ન હતી અને અચાનક પોતાના રોજગાર ધંધાઓ ઉપાડી દેવાની કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો અહીંના નાના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.

ઘણા વેપારીઓએ એવું પણ જણાવ્યું હતું કે, પોતે અહીં વર્ષોથી રોજગાર ધંધો કરતા આવ્યા છે અને પોતાના રોજગાર ધંધા થતી પોતાનું અને પોતાના પરિવારનું ચલાવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા અચાનક આ પ્રકારની કામગીરી કરતા તેઓ ઉપર આભ તૂટી પડ્યું છે. ઘણા વેપારીઓના આંખો માટે આસો પણ આવી ગયા હતા અને પોતાના રોજગાર ધંધાઓ ઉઠાવી લઈ જતા વેપારીઓ રોજગાર ધંધા વિહોણા બની ગયા હતા. પાલિકાની મધ્યરાત્રી ની આ કામગીરીને પગલે દાહોદ શહેરના લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો અને ખાસ કરીને અહીંના વેપારીઓમાં ખૂબ જ આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો અને પાલિકાની આ કામગીરીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

દાહોદ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી અને રાત્રિના સમયે આવી અચાનક અમારી લારીઓ ઉપાડી લઈ જવાની કામગીરી કરતા હતા તે સમયે અમોને જાણ હતા અમે સ્થળ પર પહોંચી ગયા હતા ત્યારે અમે અમારી લારી ખસેડી લીધા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા અમારી લારીની તોડફોડ કરી નુકસાન કરવામાં આવ્યું છે.

હીરાભાઈ ભરવાડ

દાહોદ નગરપાલિકાના સોની સાહેબ તથા તેમની સાથેના તેમના કર્મચારીઓ રાત્રીના સમયે આવી અમારા રોજગાર ધંધાઓને એટલે કે લારી ગલ્લાઓની તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમોને પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી જાણ કરવામાં આવી નથી. અને અચાનક રાત્રીના સમયે આવી આ પ્રકારની કામગીરી કરવામાં આવેલ છે. રાત્રિના સમયે આ કામગીરી રાત્રિના સમયે કરવામાં આવેલ છે રાત્રિના સમયે ચોર આવી કામગીરી કરે, શું તંત્ર ચોર છે ? શાહુકાર હોય તો દિવસે કામગીરી કરે, અમે કોની પાસે જઈએ અહીં નથી નગરપાલિકાના કોઈ કાઉન્સિલરો, નથી કોઈ પોલીસ કે નથી કોઈ સંબંધી તંત્રના અધિકારીઓ, અમોને જાણ કરતા તો અમો અમારા રોજગાર ધંધા સ્વેચ્છાએ ઉઠાવી લેતા પરંતુ અમોને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને આ પ્રકારની કામગીરી રાત્રી દરમિયાન કરવામાં આવી છે. તમારે મદદ માટે કોની પાસે જવું, તમારી મદદ માટે કોઈ ઉભા રહેવા તૈયાર નથી.

કનૈયા પ્રેમબાબુ પંડિત

અમે વર્ષોથી આ વિસ્તારમાં દાબેલીની લારી ચલાવીએ છીએ, પાલિકા તંત્રના અધિકારીઓ આવી અચાનક અમારી લારી ગલ્લાઓને તોડફોડ કરી નાખી છે, અમારા માટે માત્ર આ જ એક આજીવિકા નું સાધન હતું હવે અમે કોની પાસે જઈશું. અમે તમારું જીવન નિર્વાહ કેવી રીતે કરીશું, એક તરફ સરકાર રોજગાર આપવાની વાત કરે છે તો બીજી તરફ આ કેવા પ્રકારની કામગીરી જેમાં રોજગાર આપવાની જગ્યાએ રોજગાર છીનવી રહ્યા છે, એક તરફ સરકાર બેરોજગારી હટાવવાનું કહી રહી છે તો શું આ રીતે તમે બેરોજગારી હટાવી રહ્યા છો ?