દાહોદના સ્ટેશન રોડ પરથી ચોરી થયેલા મોબાઈલ ચોરીના અન્ડિકેટ ગુનાને પોલીસે ડિટેક્ટ કરી આરોપીને ઝડપી લીધો

દાહોદ,દાહોદમાં રામયાત્રાની ઉજવણી દરમિયાન કેટલાક લોકોના મોબાઈલ ચોરી થયા હોવાની ફરિયાદો પોલીસ મથકોમાં નોંધાવા પામી હતી. ત્યારે બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાના આધારે બી ડિવિઝન પોલીસે સીડીઆર લોકેશનના આધારે ગોધરા ખાતે જઇને અર્જુન છગન સરગરા રહેવાસી ગોધરા સાયન્સ કોલેજની બાજુમાં જાફરાબાદ ના ઈસમ પાસે જઇને તપાસ કરતા દાહોદમાંથી ચોરી થયેલો મોબાઈલ મળી આવ્યો હતો. જે મોબાઈલ ઈએમઈઆઈ નંબર ચકાસતા મોબાઈલ ચોરીનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તે ઈસમે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ગોધરામાં નારી કેન્દ્ર ખાતે રહેતા સુરજ બાવરીયા અને સંજય બાવરીયા આ બન્ને લોકો દાહોદમાં નીકળેલી રામ નવમીની શોભાયાત્રામા દાહોદ આવ્યા હતા અને મોબાઈલ ચોરી કરીને લાવ્યા હતા અને તેની પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસે 22 મી એપ્રિલના રોજ તે ઈસમની ચોરીના મોબાઈલ સાથે અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.