દાહોદ,દાહોદ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર હાઈવે પર ભથવાડા અને વાવડી ટોલ બુથ આવેલ છે. આ બંન્ને ટોલ બુથ 30 કિલો મીટરના અંતરેજ આવેલ હોવાથી આ મામલે દાહોદના સાંસદ દ્વારા દેશના માર્ગ પરિવહન મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી બંન્નેમાંથી એક ટોલ બુથને હટાવવાની માંગણી કરી છે.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે તેમાંય ખાસ કરીને ગરીબ આદિવાસી પ્રજા તેમજ મધ્યમ વર્ગીય લોકોને રોજગારી મળી રહે તે માટે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આવા સમયે દાહોદ જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર હોઈવે પર માત્ર 30 કિલો મીટરના અંતરે બે ટોલ બુથો આવેલ છે. જ્યારે નિયમ પ્રમાણે 60 કિલો મીટરના અંતરે ટોલ બુથ હોવા જોઈએ પરંતુ દાહોદ જિલ્લામાં એક ભથવાડા ટોલ બુથ અને તેનાથી માત્ર 30 કિલો મીટરના અંતરે વાવડી ટોલ બુથ પણ આવેલ છે. કોઈપણ વ્યક્તિને દાહોદથી અમદાવાદ કે અમદાવાદથી દાહોદ આવવું જવું હોય તો કુલ 04 ટોલ બુથ પરથી પસાર થવુ પડે છે તેમાંય દાહોદ જિલ્લામાંથી આ ઉપરોક્ત બે બુથો માત્ર 30 કિલો મીટરના અંતરે હોવાને કારણે વાહન ચાલકોને બમણો ટોલ ટેક્ષ ભરવો પડે છે. જેને પગલે લોકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. ત્યારે આ મામલે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે ગંભીરતાથી લઈ દેશના માર્ગ પરિવહન મંત્રી નીતીન ગડકરી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી અને તેઓને જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં આવેલ ભથવાડા ટોલ બુથ અથવા વાવડી ટોલ બુથ બંન્નેમાંથી એક ટોલ બુથને હટાવવામાં આવે જેથી દાહોદ જિલ્લાની જનતાને તેનો લાભ મળી શકે. ભથવાડા ટોલ બુથ પર તો બમણો ટોલ ટેક્ષ વસુલવામાં આવતો હોવાની પણ બુમો ઉઠવા પામી છે જેના પગલે અવર જવર કરતાં વાહન ચાલકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.