
દાહોદ,દાહોદ જીલ્લાના રેટિયા ગામની એક સગર્ભા મહિલા માટે 108ની સેવા આર્શીવાદરૃપ સાબિત થઈ છે. સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે પ્રસુતિની અસહ્ય પીડા થતા 108ની ટીમે એમ્બ્યુલન્સ વાનમાં જ ડીલીવરી કરાવી માતા અને બાળક બંનેનો જીવ બચાવ્યો હતો.
આ અંગે વધુમાં મળતી માહિતી મુજબ પ્રાઈમરી હેલ્થ સેન્ટર રેટિયા ખાતે ત્યાંના સ્ટાફ નો રાત્રે કોલ આવ્યો કે માતાના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું છે અને દુખાવો વધારે છે. માતા જોખમી હોવાથી અહીંયા ડિલિવરી થવું વધારે જોખમ છે. તેથી તેમને દાહોદ ઝાયડ્સ સિવિલ ખાતે લઇ જવું પડશે, જેને લઈ સેવાસદન દાહોદની આઈએફટી 108 ઈએમટી જીગ્નેશભાઈ બારીયા અને પાયલોટ જોનીભાઈ બિલવાલ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બાદમાં આ સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, હોસ્પિટલ લઈ જતી વખતે આ સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી જીગ્નેશભાઈ એ 108 એમ્બ્યુલન્સને સાઈડમાં ઉભી કરી ઈઆરસીપી ડોકટર પ્રજાપતિ તબીબની સલાહ મુજબ સગર્ભા મહિલાને ઓક્સિજન પુરો પાડી એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રસુતિ કરાવી હતી. મમતાબેને એક બાળકને જન્મ આપ્યો હતો.
આમ, 108ની ટીમે સગર્ભા મહિલાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા તેમજ બાળક બંનેનો જીવ બચાવતા પરિવારજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.