દાહોદ,
દાહોદ શહેર નજીક આવેલા રવાળીખેડામાં પસાર થતી વીજ લાઈન ઉપર ફોલ્ટ સર્જાતા તેના લંગરીયા બળીને નીચે પડતા ધાસના જંગલાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઝડપભેર ફેલાયેલી આગમાં 2.80 લાખ રૂપિયાનુ ધાસ બળીને ખાખ થઈ જવા પામ્યુ હતુ. ખાનગી માલિકીની જમીનમાં ધાસ ઉછેરવામાં આવ્યુ હતુ. આ ધટના અંગે કતવારા પોલીસે જાણવા જોગ નોંધ કરીને કાયદેસરના કાગળો કર્યા હતા.
દાહોદ તાલુકામાં મઘ્યપ્રદેશની સરહદ ઉપર આવેલા રવાળીખેડા ગામમાં રહેતા પર્વતસિંહ ઉદેસિંહ નાયકે પોતાની રેવન્યુ સર્વે નં.69વાળી જમીનમાં ધાસનો ઉછેર કર્યો હતો. ત્યારે બપોરના અરસામાં આ ખેતરમાંથી પસાર થતી એમજીવીસીએલની 11000 વોલ્ટની લાઈનમાં કોઈ ફોલ્ટ સર્જાયો હતો. હાઈવોલ્ટેજ કે અન્ય કોઈ સમસ્યાને કારણે લાઈન ઉપર લંગરીયા પણ સળગી ગયા હતા. આ લંગરીયા સળગીને નીચે ધાસમાં પડતા આગ ફાટી નીકળી હતી. હવાની લહેરખીઓ સાથે આગ સુખા ધાસમાં ઝડપભેર ફેલાઈ હતી. પર્વતસિંહના ધાસ સાથે જંગલના અન્ય ધાસને પણ આગે લપેટમાં લઈ લીધુ હતુ. આ ધટનાથી ભારે દોડધામ મચી જવા પામી હતી. ભારે પ્રયત્નો બાદ આગ કાબુમાં આવી હતી. આ ધટનામાં પર્વતસિંહને 2.80 લાખ રૂપિયાનુ નુકસાન થવા પામ્યુ હતુ. આ અંગે કતવારા પોલીસે જાણવા જોગ નોંધ કરીને કાયદેસરના કાગળો કર્યા હતા.