દાહોદના રામપુરા ગામે ડી.જે.ના સ્પીકરોમાં ભરી લવાતો 1 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાના રામપુરા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે ડી.જે.ના સ્પીકરોમાં ભરી લઈ જવાતો રૂા.1,03,120નો વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે રામપુરા ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી એક ડી.જે.નો ટેમ્પો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો નજીક આવતાં પોલીસે તેના ચારેય તરફથી ઘેરી લઈ ટેમ્પાના ચાલક હિમાંશું ઉર્ફે હિમું નટુભાઈ પટેલ (રહે. અરડી ચબુતરીવાળુ ફળિયું, તા.પેટલાદ, જી.આણંદ) ની પોલીસે અટકાયત કરી ટેમ્પાની તલાસી લેતાં તેમાંથી ડી.જે. ની ગાડી અને ડી.જે.ના સ્પીકરોની આડમાં વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. 820 કિંમત રૂા. 1,03,120ના પ્રોહી જથ્થા સાથે લેપટોપ, મોબાઈલ ફોન, ડી.જેની ગાડીઓ વિગેરે મળી કુલ રૂા. 16,78,120નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ઝડપાયેલ ચાલક વિરૂધ્ધ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.