દાહોદ તાલુકાના રામપુરા ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક 20 વર્ષિય યુવક પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો કટ્ટો (અગ્રિશસ્ત્ર) તેની સાથે આઠ જીવતા કારટીસ નંગ.8 મળી પોલીસે કુલ રૂા.2,400નો મુદ્દામાલ કબજે કરી યુવકને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.24મી જુલાઈના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના રામપુરા ગામે માતવા તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવી ઉભી હતી ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક યુવક પસાર થયો હતો. પોલીસે તેની પાસે જઈ પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેની અંગ ઝડતી કરતાં યુવકના કમરના ભાગે પેન્ટના નેફામાં સંતાડી રાખેલ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટનો કટ્ટો (અગ્નિશસ્ત્ર) નંગ.1 કિંમત રૂા.2,000 તથા જીવતા કારટીસ નંગ.8 કિંમત રૂા.400 મળી પોલીસે કુલ રૂા.2,400નો મુદ્દામાલ કબજે કરી યુવકનું નામઠામ પુછતાં યુવકે પોતાનું નામ રાહુલભાઈ ચીમનભાઈ બારીયા (રહે. રોઝમ ઉભડતકૂઈ ફળીયું, તા.જી.દાહોદ) જણાવ્યું હતું.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.