દાહોદના રામપુરા પાસે હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહને બાઈક સવાર દંપતિને અડફેટમાં લેતાં મહિલાનું મોત

દાહોદ, દાહોદ તાલુકાના રામપુરા ગામેથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પર એક અજાણ્યા ટેન્કરના ચાલકે મોટરસાઈકલ સવાર એક દંપતિને અડફેટમાં લેતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.13મી એપ્રિલના રોજ દાહોદ જીલ્લાના બાવકા ગામે બાવકી ફળિયામાં રહેતાં પ્રવિણભાઈ દુબળાભાઈ ભુરીયા તથા તેમની પત્નિ સંગીતાબેન એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના રામપુરા ગામેથી પસાર થતાં ઈન્દૌર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્યાંથી એક અજાણ્યા ટેન્કરના ચાલકે પોતાના કબજાનું ટેન્કર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પ્રવિણભાઈની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં પ્રવિણભાઈ તથા તથા તેમની પત્નિ સંગીતાબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા. જેને પગલે પ્રવિણભાઈને બંન્ને હાથે ઈજાઓ પહોંચી હતી જ્યારે સંગીતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ઈજાગ્રસ્ત પ્રવિણભાઈ દુબળાભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.