દાહોદના રળીયાતી ઓળી આંબા ગામે રોડ ઉપર નાની ખરજના લોકો વચ્ચે અગાઉના ઝગડાની અદાવતે ધિંગાણું

દાહોદ,

દાહોદ તાલુકાના રળીયાતી ઓળી આંબા ગામે રોડની બાજુમાં નાની ખરજ ગામના લોકો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતમાં મચેલા ધિંગાણામાં કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડી જેવા મારક હથિયારો ઉછળતા સાત જેટલા લોકોને ગંભીર ઈજાઓ થયાનું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર નાની ખરજ ગામનાં બાંડી ખેડા ફળિયામાં રહેતા ભુરીયા કુટુંબના દવેશભાઈ હીમાભાઈ, કમલેશભાઈ હીમાભાઈ, સુરેશભાઈ જવસીંગભાઈ, દીનુભાઈ જવસીંગભાઈ, ભારતાભાઈ બચુભાઈ, કનેશભાઈ નારૂભાઈ, સુનીલભાઈ ભારતાભાઈ તથા રાજેશભાઈ મલજીભાઈ માવીએ ધુળેટીના દિવસે રળીયાતી ઓળી આંબા ગામે બપોરના સમયે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક સંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી, કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડીઓ જેવા મારક હથિયારો સાથે આવી તેમના ફળિયાના સંજયભાઈ સવલાભાઈ અમલીયારને ગાળો બોલી તમો અમારા ઉપરનો કેસ કેમ ચલાવો છો અને સમાધાન કેમ નથી કરતા. આજે તમને બધાને મારવારા છે. તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ કુહાડી, લોખંડની પાઈપ તથા લાકડી જેવા મારક હથિયારોનો છુટથી ઉપયોગ કરી સવલાભાઈ અમલીયાર, રંગાભાઈ અમલીયાર, શકરાભાઈ અમલીયાર, તાનસીંગભાઈ અમલીયાર, મેસુલભાઈ અમલીયાર, દીલીપભાઈ અમલીયાર તથા સંજયભાઈ સવલાભાઈ અમલીયારને ઈજાઓ પહોંચાડી, કોર્ટવાળા કેસમાં સમાધાન કરી દેજો નહીં તો ફરીથી મારીશું તેમ કહી બેફામ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી ધિંગાણું મચાવ્યું હતું.

આ સંબંધે નાની ખરજ ગામના ઈજાગ્રસ્ત સંજયભાઈ સવલાભાઈ અમલીયારે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.