દાહોદમાં રેલ્વેના નવા એન્જીન બનાવવાનું કારખાનું બનાવ્યા બાદ હવે કેટલાને રોજીરોટી મળશે

દાહોદ,આઝાદીના સાડા સાત દાયકા વીતી ગયા છતાં દાહોદ જીલ્લામાં ઘર આંગણે રોજગારીના સ્ત્રોત ઊભા કરવામાં તમામ સરકારો નિષ્ફળ જતા આજે પણ જીલ્લાનો આદિવાસી રોજગારી માટે પોતાના ઢોર ઢાંખર તથા ખોરડું ભગવાન ભરોસે મૂકી માદરે વતન છોડી રાજ્યમાં અન્યત્ર જવા મજબૂર બન્યો છે. આ મજબૂરી ટાળવા માટે જીલ્લામાં પોતાને આદિવાસીઓના મસીહા કહેવડાવતા તેમનામાંના જ નેતાઓ પણ કાંઈ કાઠું કાઢી ન શકતા દાહોદ જીલ્લાનો આદિવાસી રોજી રોટી માટે માદરે વતનમાંથી હિજરત કરવા લાચાર અને મજબૂર બન્યો છે. તેવા સમયે આદિવાસીઓની વિટંબણાઓને ધ્યાને લઈ ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે દાહોદમાં રેલવેના નવા એન્જિન બનાવવાનું કારખાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી હાલમાં ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે તેમાં જીલ્લાના કેટલાને રોજી મળી રહેશે તે હવે જોવું રહ્યું!!!

દાહોદ જીલ્લામાં સિંચાઈની પૂરતી સુવિધાના અભાવે દાહોદ જીલ્લાનો ખેડૂત માત્રને માત્ર ચોમાસાના વરસાદ પર આધાર રાખી ખેતી કરતો હોવાથી ખેતીની સિઝન બાદ મજૂરી માટે ફાફા મારતો જોવા મળે છે. આઝાદીના સાડા સાત દાયકા વીતી ગયા અને આ સાડા સાત દાયકામાં કેટલીયે સરકારો આવી અને ગઈ, કેટલા ધારાસભ્યોને સાંસદો ચૂંટાયા અને ગયા, પરંતુ તે તમામે દાહોદ જીલ્લાના વિકાસ માટે કાંઈ જ ન કર્યું. ઘર આંગણે રોજીના સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો સુદ્ધા ન કર્યા અને પોતાની શાળાઓ, કોલેજો, પેટ્રોલ પંપો વગેરે ઉભા કરી પોતાની જ આવક ઊભી કરી પોતાના હિતનું જ કામ કરતા રહેવાના કારણે જીલ્લાનો આદિવાસી રોજી માટે લાચારવશ પોતાના ઢોરઢાખર અને કોરડું ભગવાન ભરોસે યા ઘરના વૃદ્ધ વડીલોને આશરે છોડી પોતાના કુટુંબ કબીલા સાથે માદરે વતનમાંથી હિજરત કરી રાજ્યમાં અન્યત્ર કામની શોધમાં નીકળવા મજબૂર બન્યો છે અને રોજી રોટી માટે હિજરત કરવાનો આ સીલસીલો છેલ્લા 75 વર્ષથી ચાલતો આવ્યો છે અને આજે પણ તે જારી રહ્યો છે. તે જીલ્લાના આદિવાસીની એક કમનસીબી છે.