દાહોદ જિલ્લાનો બહુચર્ચિત નકલી એનએ પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે જેમાં દાહોદ જિલ્લા પંચાયત કચેરીમાં મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં સીનીયર ક્લાર્ક ઈન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ બજાવતાં વિજયભાઈ રમસુભાઈ ડામોરને પોલીસે ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પંચાયત વિભાગના કર્મચારીઓમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતાં આવનાર દિવસોમાં અનેક આરોપીઓની સંડોવણી બહાર આવવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દાહોદ કસ્બા વિસ્તારની અને શહેર ફરતે આવેલ ગરીબ આદિવાસી ખેડૂતોની 73એએ નિયંત્રણ સત્તા પ્રકાર ની હોય કે પ્રીમિયમ ને પાત્ર ખેતીની જમીનો હોય આ પૈકી કેટલીક ખેતીની જમીનોમાં સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમ ને ભરપાઈ કર્યા વગર એટલે કે ચોરી કરીને નકલી બીન ખેતીના હુકમો ના આધારે ખેતીની જમીનોને બિન ખેતીમાં ફેરવી દેનારા ચાલી રહેલા વગદાર ગોરખધંધાઓ પૈકી બે બહુચર્ચિત જમીન પ્રકરણો સામે દાહોદ શહેર પોલીસ મથકોમાં બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે નકલી એનએ બાબતનો આ ગુનો દાખલ થયો હતો જેમાં ઝકરીયા મહેમુદ ટેલરની સર્વે નંબર 303,305,306 નંબરની જમીન હતી જેના જિલ્લા પંચાયતના નકલી હુકમો બનાવી એમને સીટી સર્વેમાં રજુ કરી પોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યાં હતાં જેમાં આ ગુન્હામાં માસ્ટર માઈન્ડ શૈષવ પરીખ તેમજ ઝકરીયા મહેમુદ ટેલરની પોલીસે ધરપકડ કરી હતી. આ બંન્ને આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ બાદ તેઓને જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં અને પુરાવાઓ, દસ્તાવેજોને ધ્યાનમાં લઈ પોલીસે ગતરોજ સાંજના સમયે દાહોદ જિલ્લા પંચાયત ખાતે ધામા નાંખ્યા હતાં અને જ્યાં જિલ્લા પંચાયત કચેરી ખાતે મહેસુલ શાખામાં સીનીયર ક્લાર્ક અને ઈન્ચાર્જ ચીટનીસનો પણ ચાર્જ બજાવતાં વિજયભાઈ રમસુભાઈ ડામોરની પોલીસે અટકાયત કરતાં સમગ્ર જિલ્લા પંચાયત વિભાગમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ડુબ્લીકેટ હુકમો બન્યા જેમાં સિક્કા મારવામાં વિજયભાઈ ડામોરની ભુમીકા હતી. પોલીસ દ્વારા જણાવ્યાં અનુસાર, આ ઉપરાંતના નકલી એનએ પ્રકરણમાં ઉપરોક્ત આરોપીઓ દ્વારા આવી કેટલી જમીનોના નકલી હુકમો તૈયાર કર્યા હશે તે દિશામાં પણ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવનાર દિવસોમાં આ નકલી એનએ પ્રકરણમાં હજુ કેટલાં આરોપીઓ પોલીસના સંકજામાં આવશે ? તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.