
દાહોદ, દાહોદ તાલુકાના મુવાલીયા ગામે આવેલ તળાવમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તરવૈયાઓની મદદથી મૃતક યુવકના મૃતદેહને તળાવના પાણીમાં બહાર કાઢી નજીકના દવાખાને પીએમ માટે મોકલી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.

દાહોદના મુવાલીયા ગામે આવેલ તળાવમાંથી આજરોજ બપોરના સમયે એક અજાણ્યા યુવકનો મૃતદેહ તળાવના પાણીમાં તરતો જોવાતાં આસપાસના લોકો તળાવ તરફ દોડી ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ તરવૈયાઓ સાથે દોડી ગયાં હતાં. તરવૈયાઓએ પાણીમાંથી મૃતક યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે મોકલી આપ્યાં હતા. ત્યારે યુવક ક્યાંનો છે ? તેનું નામ, સરનામું ? તે અહીં કેવી રીતે આવી પહોંચ્યો ? યુવકે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી હશે કે પછી તે અકસ્માતે તળાવમાં પડી ગયો હશે ? વિગેરે જેવા અનેક સવાલો સાથે પોલીસે તમામ મામલે તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. ઘટનાને પગલે તળાવ વિસ્તાર ખાતે લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું હતું.