દાહોદ, દાહોદ તાલુકાના મોટી ખરજ ગામેથી દાહોદ એસઓજી પોલીસે ગેરકાયદેસર એક માઉઝર પીસ્ટલ તથા કાર્ટિઝ તેમજ વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ મળી પોલીસે કુલ રૂા. 76,220/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા ઈસમોને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન આધારે એસઓજી પોલીસ આ દિશામાં ખાનગી બાતમીદારો રોકી દાહોદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. બાતમી મળેલ કે, મધ્ય પ્રદેશ રાજ્યના બે ઇસમો પોતાના કબજાની કાળા કલરની નંબર વગરની પલસર મોટરસાઈકલ ઉપર વિદેશી દારૂનો જથ્થો તથા ગેરકાયદેસર હથિયાર સાથે અલીરાજપુર દાહોદ હાઇવે રોડ ઉપર થઇ હાઇવેથી દેવધા ગામ તરફ આવતા રોડે થઇ રાહડુંગરી આવનાર છે. તેવી મળેલ બાતમી હકિકત આધારે એસઓજી પોલીસ દ્વારા મોટીખરજ ગામના રાહ ડુંગરી ફળીયામાં આવેલ પ્રાથમિક શાળા નજીક આવેલ રોડની ચોકડી ઉપર વોચમાં હતા. તે દરમ્યાન બાતમી વર્ણનવાળા ઇસમો મોટર સાયકલ લઇ આવતાં તેને રોકવા જતાં તેઓ પોતાની મોટર સાયકલ લઇ ભાગવાની કોશિષ કરતાં સાથેના પોલીસ માણસોએ ઘેરો ઘાલી પકડી પાડ્યાં હતાં. ઝડપાયેલ ઈસમો પૈકી સુમેરસીંગ મહોબતભાઈ જમરા તથા પ્રકાશભાઈ શંકરભાઈ જમરા (બંન્ને રહે.મેંઢા, પટેલ ફળીયું તા.ભાભરા (ચન્દ્રશેખર આઝાદ નગર) જી. અલીરાજપુર (એમ.પી.) નાઓને ઝડપી પાડી તેઓની મોટરસાઈકલ પરથી પોલીસે બીયરની બોટલો નંગ. 216 કિંમત રૂા. 25,920 તથા સુમેરસીંગ મહોબતભાઈ જમરાની અંગઝડતી કરતાં તેંણે પહેરેલ જાકિટના અંદરના ખીસ્સામાંથી એક લોખંડની માઉઝર પીસ્ટલ 06 (છ) કાર્ટીસ લોર્ડ કરેલ હાલતમાં મળી જે માઉઝર પીસ્ટલ કિ.રૂ.25,000/- તથા કાર્ટીસ નંગ. 06 તથા નંબર વગરની મોટર સાયકલની કિ.રૂ.25,000/- મળી કુલ કિ.રૂ.76,220/- નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ઝડપાયેલ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.