દાહોદના મોટી બાંડીબાર ગામે મોબાઈલ નેટવર્કના ધાંધિયાથી સ્થાનિકોને ભારે હાલાકી

દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટા માંડીબાર ગામના આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંતથી જીઓ તેમજ વોડાફોન કંપનીના ધારકો નેટવર્કના અભાવે ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. જેના પગલે બાડીબાર ગામના સ્થાનિકોની કનેક્ટિવિટી તેમજ ઓનલાઇન ટ્રાન્જેક્શન સહિતની તમામ સુવિધાઓ પર માઠી અસર પડવા પામી છે.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામમાં છેલ્લા 7 દિવસથી પ્રાઈવેટ કંપનીનો મોબાઈલ ટાવર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. મોટીબાંડીબાર ગામમાં મોબાઈલનું નેટવર્ક ન મળતું હોવાથી વ્યાપાર તથા જીવન રોજગાર પર માઠી અસર પડી રહી છે. તેમજ લોકો આરોગ્ય માટે 108 એમ્બ્યુલન્સને કે બીજી ઈમરજન્સી સેવાઓ માટે ફોન કરવામાં તકલીફ પડી રહી છે. છેલ્લા 7 દિવસથી મોબાઈલ નેટવર્ક ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આસપાસના ગામના ટાવરનું નેટવર્ક પકડાતું હોવાના કારણે લોકોને ધાબા પર ચડવાની ફરજ પડે છે. વહેલી તકે ગામમાં નેટવર્ક આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.