દાહોદ,
દાહોદ શહેરમાં આવેલ હાર્દસમાં એવા એમ.જી. રોડ ખાતે ગટરના ગંદા પાણી છેલ્લા કેટલાંક દિવસોથી રોડ પર રેલાતાં વિસ્તારમાં રહેતાં રહીશો સહિત અવર જવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
દાહોદ નગર પાલિકાના સંલગ્ન વિભાગના કર્મચારીઓની બેદરકારી અને અપૂરતી સફાઈના કારણે દાહોદના હાર્દ સમા અને 24 કલાક વાહનો તેમજ લોકોની અવર-જવરથી વ્યસ્ત રહેતા એમજી રોડ પર ગટરના ગંદા દુર્ગંધ મારતા પાણી છેલ્લા કેટલાક દિવસથી રોડ પર રેલાતા આ વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ મામલે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા દાહોદ નગર પાલિકાના જવાબદારોને રજૂઆત પણ કરી છે. ત્યારે આ વિસ્તારના ચારે કાઉન્સિલરો આ સમસ્યાના નિરાકરણ માટેના પ્રયાસો કરવાના બદલે પોતાની જવાબદારી માંથી છટકી આ સમસ્યાના નિરાકરણના મામલે આંખ આડા કાન કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ વિસ્તારના લોકો પણ આવા કાઉન્સિલરોને ચુંટી મોકલવા બદલ અફસોસ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે. એમજી રોડની વાહન પાર્કિંગની તેમજ ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ત્યારે પડતા પર પાટુની જેમ ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાવવાની આ સમસ્યા પણ છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના લોકોના માથાનો દુ:ખાવો બની છે.