દાહોદના માતવા ગામેથી 56 હજાર રૂપીયાના વિદેશી દારૂ સ્વીફટ કાર ઝડપી

દાહોદ, દાહોદ એલ.સી.બી પોલીસે માતવા ગામેથી રૂપિયા 56 હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે મારૂતી સ્વીફટ ગાડી રૂપિયા સાડા ત્રણ લાખની ગાડી મળી રૂા. 4,06,160નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

મધ્યપ્રદેશના પીટોલ બાજુથી દારૂનો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ ગાડી દાહોદ તરફ આવતી હોવાની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે મુવાલીયા બાયપાસ રોડ પર નાકાબંધી કરી આવતા જતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઉભી હતી. તે દરમ્યાન વહેલી પરોઢે સવા ચાર વાગ્યાના સુમારે પિટોલ બાજુથી બાતમીમાં દર્શાવેલ નંબર વગરની મારૂતી સ્વીફટ ગાડી દુરથી આવતી નજરે પડતાં નાકાબંધીમાં ઉભેલ એલસીબી પોલીસ સાબદી બની હતી. તે વખતે નંબર વગરની સ્વીફટ ગાડીના ચાલકે દુરથી જ પોલીસની નાકાબંધી જોઈ પોતાની ગાડી ભગાવી મુકતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેથી સ્વીફટ ગાડીના ચાલકે પોતાની ગાડી રામપુરા-માતવા ગામ તરફ જતાં જંગલ વાળા રસ્તે ભગાવી માતવા ગામે કાચા રસ્તા પર પોતાની ગાડી મૂકી અંધારાનો લાભ લઈ જંગલના ઝાડી ઝાંખરામાં ક્યાંક સંતાઈ ગયો હતો. જે સ્વીફટ ગાડી એલસીબી પોલીસે પકડી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂા. 56,160ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની તથા બીયરી કુલ બોટલ નંગ-432 પકડી પાડી સદર દારૂ-બીયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની સ્વીફટ ગાડી મળી કુલ રૂપિયા 4,06,160નો મુદ્દામાલ કબજે લઈ જેસાવાડા પોલીસને સુપરત કરી ફરિયાદ નોંધાવતાં જેસાવાડા પોલીસે સ્વીફટ ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.