
દાહોદ,ફતેપુરા સહિતના તાલુકામાં જ્યાં મનરેગા હેઠળના કામોમાં સેટિંગ્સથી વહીવટી મંજૂરીના આક્ષેપો થયા અને તેના પગલે તંત્રએ તપાસ શરૂ કરી છે. હવે આ તપાસ છેક ગાંધીનગરથી આવી હોઇ ભ્રષ્ટાચારની જાળમાં જેને ફસાવાનો ડર છે. તેઓ રાજકારણીઓના લેટરપેડના શરણે જઈ રહ્યા છે. ફતેપુરા તાલુકાના જાગૃત આગેવાને પોતાના ફેસબુક એકાઉન્ટમાં સાર્વજનિક રૂપે લખ્યું છે કે, લેટરપેડના સહારે શું લેટરપેડ દ્રારા તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે અને કેમ લેટરપેડ વાળાને મદદગારીમા લેવામાં આવે ? આ ઘટનાક્રમને પગલે સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે, ભ્રષ્ટાચારીઓને ડર છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓના લેટરપેડથી બચાવ કરવો છે
દાહોદ જીલ્લામાં મનરેગાના કામોમાં વહીવટી મંજૂરી બાબતે પારદર્શકતાને ચોંકાવનારી હદે શંકાસ્પદ દર્શાવતાં વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. વિડિયો સાથે ભ્રષ્ટાચારની ચિઠ્ઠી પણ સામે આવતાં ગ્રામ વિકાસ કમિશ્ર્નરની કચેરીએથી મનરેગાના કરાર આધારિત કર્મચારી બળવંત લબાના વિરૂદ્ધ તપાસના આદેશ થયા છે. ભ્રષ્ટાચારની ચિઠ્ઠીની સંપૂર્ણ તપાસ થાય તો મોટો ઘટસ્ફોટ થવાની બીકે દોડધામ મચી ગઇ છે. આથી હવે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી લેટરપેડ મેળવવામાં આવી રહ્યા અને તેમાં લખાણ લેવામાં આવી રહ્યું કે, વહીવટી મંજૂરી પેટે કોઈ રકમ આપી નથી. હવે સવાલ એ ઉભો થાય છે કે, આ લેટરપેડની તપાસ અધિકારીઓને જરૂર છે ? કોણ અને કેમ રાજકીય લેટરપેડના સહારે ક્લિન ચીટ અપાવવા ઇચ્છે કે ક્લિન ચીટ મેળવવા ઈચ્છે તે સવાલ છે. આટલુ જ નહી ભ્રષ્ટાચારની ચિઠ્ઠીથી શું મસમોટા ખેલાડીઓ પણ ખુલ્લા પડી જાય તેમ છે ? એટલે લેટરપેડના શરણે જઈ રહ્યા કે જવા માટે કહેવામાં આવી રહ્યું?
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જીલ્લામાં મનરેગાની વહીવટી મંજૂરી પેટે એડવાન્સ બુકિંગ અને એડવાન્સ કટકીનો પ્રશ્ર્ન પહેલાંથી અને મામલો સ્થાનિક દિગ્ગજ સત્તાધીશો સમક્ષ ગયેલો હતો. જોકે ભ્રષ્ટાચારીઓ ગાંઠતા ના હોવાથી જાગૃત નાગરિકોએ કટકીના પુરાવા રૂપે ચિઠ્ઠી અને વિડિયો મેળવી લીધા હતા. આ પુરાવાથી ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડી રહ્યા હોઇ ગાંધીનગરથી આવેલા તપાસના હુકમ સામે બચાવનો માર્ગ શોધવા ભ્રષ્ટાચારીઓમા દોડધામ મચી ગઇ છે.