દાહોદના માણેકચોકમાં ફર્નિચરની દુકાનમાં લીફટ તુટવાની ધટનામાં દુકાન માલિક સામે બેદરકારી નિષ્કાળજીની ફરિયાદ નોંધાઈ

દાહોદ, દાહોદ શહેરના હાર્દ સમા એવા માણેક ચોક ખાતે એક સ્ટીલ અન્ડ વુડન ફર્નીચરની દુકાનમાં લાગેલ લીફ્ટ તુટી જતાં 09 વ્યક્તિઓને ઈજાઓ પહાંચતાં જેમાં એક યુવકનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે દુકાનના માલિક સામે બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ગત તા.30મી માર્ચના રોજ બપોરના સમયે એક પરિવાર પોતાના ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ દાહોદ ખાતે સરસામાનની ખરીદી કરવા માટે આવ્યાં હતા. જેમાં પરિવારના સદસ્યો લગ્નની ખરીદી માટે દાહોદ શહેરના માણેક ચોક ખાતે આવેલ શેખ સૈફુદ્દીન અલીહુસેન ઝૈની સ્ટીલ એન્ડ વુડન ફર્નીચરની દુકાનમાં ખરીદી કરતાં હતા. ત્યારે દુકાનમાં લાગેલ લીફ્ટ મારફતે દુકાનનો સરસામાન ચડાવવા ઉતારવા માટેનો ઉપયોગ થતો હોવાનું જાણવા છતાં ગ્રાહકોને સરસામાન બતાવવા ઉપરના માળે લઈ જવા લાવવા માટે સેફ્ટી વગરની ખુલ્લી લીફ્ટનો ઉપયોગ કરી દુકાનમાં કામ કરતાં રોહિતભાઈ દિનેશભાઈ રાઠોડ (રહે. સાહડા, હોળી ફળિયું, તા. ગરબાડા, જી. દાહોદ) તથા તેમની સાથે સિદ્દીક યુસુફ હાંસા તથા લગ્નની ખરીદી કરવા આવેલા સ્ત્રી, પુરૂષો મળી કુલ 09 માણસોને લીફ્ટમાં દુકાનના માલિક ફકરૂદ્દીન સૈફુદ્દીન ઝૈની (રહે. હુસામી સોસાયટી, નવજીવન મીલ પાસે, દાહોદ, તા.જી. દાહોદ) નાએ બેસાડી ફકરૂદ્દીને પોતે બેદરકારી અને નિષ્કાળજી દાખવી ઉપરના માળે સરસામાન જોવા માટે લીફ્ટ મોકલતાં લીફ્ટ તુટી પડતાં જેમાં રોહિતભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મૃતક રોહિતભાઈની પત્નિ શિતલબેન રોહીતભાઈ રાઠોડે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.