દાહોદના ખેંગ ગામના 23 વર્ષીય યુવકને ઝેરી સાપ કરડી જતાંં મોત

દાહોદ તાલુકાના ખેંગ ગામે એક 23 વર્ષિય યુવકને ઝેરી સાંપ કરડતાં તેને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવતાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.13મી ઓગષ્ટના રોજ દાહોદના ખેંગ ગામે ચાકલીયા ફળિયામાં રહેતાં 23 વર્ષિય વિનુભાઈ ઉદાભાઈ ડામોર ગુંડીયા પોતાના ઘરે હાજર હતા. તે સમયે ઘરના આંગણામાં તેઓ હતા. ત્યારે ત્યાથી પસાર થતાં એક ઝેરી સાંપે વિનુભાઈના પગના ભાગે ડંખ મારતાં વિનુભાઈના શરીરે ઝેરી સાંપનું ઝેર સમગ્ર શરીરમાં પ્રસરી જવા પામ્યું હતું. વિનુભાઈને ઝેરી સાંપે કરડતાંની સાથે પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓને તાબડતોડ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવતાં સારવાર દરમ્યાન વિનુભાઈને મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે ઉદાભાઈ સોમલાભાઈ ગુંડીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.