ઝાલોદ, દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક શાળાના શિક્ષણ સુધારા માટે અનેકો પ્રયાસો કરાય છે. પરંતુ અહિં હાલમાં ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધો-4ના એક છાત્રાને અપાયેલા પરિણામમાં શિક્ષકનુ અતિજ્ઞાન સામે આવ્યુ હતુ. ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને 200 માંથી 211 અને 212 માર્ક આપી દેવાયા હતા. આ પરિણામ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. ભુલ સામે આવતા છાત્રાને તાત્કાલિક અસરથી બીજુ પરિણામ પત્રક બનાવીને આપ્યુ હતુ.
ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની જ વંશીબેન મનીશભાઈ કટારા ધો-4(બ)માં અભ્યાસ કરતી હતી. હાલમાં જ પ્રાથમિક શાળાના આવેલા પરિણામમાં વંશીબેનને ગુજરાતી વિષયના કુલ ગુણ 200માંથી 211 જયારે ગણિત વિષયના પણ કુલ ગુણ 200માંથી 212 માર્ક આપવામાં આવ્યા હતા. જયારે પર્યાવરણમાં 200માંથી 169, અંગ્રેજીમાં 100માંથી 95, હિન્દીમાં 100માંથી 94,અને વ્યકિત વિકાસમાં 200માંથી 175 ગુણ આપતા વંશીબેનને 1000માંથી 965 માર્ક મળ્યા હતા. ખુશ થયેલી વંશીબેન પરિણામ લઈને ધરે જતાં અભ્યાસ બાદ પરિણામમાં ભુલ પકડાઈ હતી. આ ધટના જોતજોતામાં આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. આ સાથે વંશીબેનનુ પરિણામ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયુ હતુ. પરિણામ બનાવવામાં ભારે ભુલ કરી હોવાનુ જણાતા અંતે વંશીબેનનો નવુ પરિણામ પત્ર બનાવી આપવામાં આવ્યુ હતુ. જેમાં સુધારો કરીને ગુજરાતીમાં 200માંથી 191, અને ગણિતમાં 200માંથી 190 માર્ક આપવામાં આવ્યા હતા. બાકીના ત્રણ વિષયના માર્ક યથાવત રહેવા દેવાયા હતા. ત્યારે નવા પરિણામમાં વંશીબેનને 1000માંથી 934 માર્કસ મળ્યા હતા. પરિણામ બનાવનાર દ્વારા કરવામાં આવેલી આ ભુલે આખા જિલ્લામાં રમુજ ફેલાવી હતી. સાથે ચર્ચાનો વિષય પણ બન્યો હતો.