દાહોદ,ચાકલીયાથી ખરોદા ગામ વચ્ચે વાહનો લુંટવાની યોજનાથી બંદુક સહિતના હથિયારો લઈને બાઈક ઉપર નીકળેલી મઘ્યપ્રદેશની ટોળકીના બે સભ્યો 11મી તારીખે એલસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને બંદુક અંગેની પુછપરછ કરતા આ બંદુક પારેવા ગામમાંથી 12 વર્ષ પહેલા ચોરી કરી હોવાનુ ખુલ્યુ હતુ. બંદુક મળતા ચોરીનો આ ગુનો પણ ઉકેલાઈ ગયો હતો. લીમડી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મઘ્યપ્રદેશના સાતશેરોનો શેતાન જીથરા નિનામા તેની ટોળકી સાથે ખરોદાથી ચાકલીયા ગામ વચ્ચે રાત્રે વાહનોની લુંટ કરવાની યોજના સાથે નીકળ્યો હોવાની બાતમી એલસીબી પી.આઈ.કે.ડી.ડિંડોરને મળી હતી. તેના આધારે ખરોદાથી સાતશેરોના શેતાન ઉર્ફે ચેતન જીથરા નિનામા તથા શત્તુ ઉર્ફે શાંતુ નજુડા મેડાની ધરપકડ કરવામાં આવી હતી. લુંટારૂઓ પાસેથી બંદુક, પાંચ કાર્ટિઝ, અપાચે બાઈક અને મોબાઈલ મળી 1,26,700 રૂપિયાનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. અગાઉ છ ગુનામાં સામેલ શેતાનને કોર્ટમાં રજુ કરીને લીમડી પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે બંદુક અંગેની પુછપરછ કરતા તેણે લીમડી નજીકના પારેવા ગામમાં 12 વર્ષ પહેલા એક ધરમાં સોના-ચાંદીના દાગીના સાથે આ બંદુકની ચોરી કરી હોવાનુ પણ કબુલાત કરી હતી. પોલીસની તપાસમાં આ ગુનો વણઉકેલ્યો જ પડી રહ્યો હતો. ત્યારે આ ગુનામાં પણ શેતાનની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.