દાહોદના ખરોદા ગામે રોડ ઉપરથી બોલેરો પીકઅપ ગાડી માંથી 3.18 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ,દાહોદ તાલુકા પોલીસે ખરોદા ગામે થાણા ફળિયાના રોડ પરથી વોચ દરમ્યાન રૂા. 3.18 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ ગાડી પકડી પાડી રૂપિયા 4 લાખની કિંમતની પીકપ ગાડી મળી રૂા. 7,18,960નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકા પોલીસે ગતરાતના પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમી મળી હતી કે, સફેદ કલરની જીજે-20 એક્સ3216 નંબરની મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકપ ગાડીમાં વિદેશી દારૂ ભરી દાહોદ તરફ આવી રહી છે. જે બાતમીના આધારે દાહોદ તાલુકા પોલીસની ટીમે ખરોદા ગામે થાણાં ફળિયાના રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે વખતે બાતમીમાં દર્શાવેલ સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ ગાડીના ચાલકે દુરથી પોલીસની વોચ જોઈ લેતાં પોતાના કબજાની બોલેરો પીકપ ગાડી દુર ઉભી રાખી પ્રોહી મુદ્દામાલ સાથે ગાડી સ્થળ પર મૂકી ચાલક અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. જે ગાડી પોલીસે પકડી ગાડીની તલાસી લઈ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 3,18,960ની કુલ કિંમતની અલગ અલગ માર્કાની બોટલ નંગ-3072 પકડી પાડી ગાડીમાંથી આરસી બુક, એક પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, આધારકાર્ડ, તાડપત્રી વગેરે પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 4 લાખની કિંમતની બોલેરો પીકપ ગાડી મળી કુલ રૂા. 3,18,960નો મુદ્દામાલ કબજે લઈ બોલેરો પીકપ ગાડીના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.