દાહોદના ખરજ ગામે બે બાઈકોના પેટ્રોલીંગ સાથે કારમાં લાવતા ઈંગ્લીશ દારૂ સાથે 6.53 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ,દાહોદ તાલુકા પોલીસે મોટી ખરજ ગામે બળીયાદેવના મંદિર પાસે રોડ પરથી 43 હજાર ઉપરાંતની કિંમતના બિયરના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી તથા પાયલોટીંગ કરતી બે બાઈકો તેમજ બે મોબાઈલ ફોન મળી રૂપિયા 6,53,200/- ના મુદ્દામાલ સાથે ફોર વ્હીલર ગાડીના ચાલકની અટકાયત કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રોહી અંગેની પોતાને મળેલ બાતમીને આધારે દાહોદ તાલુકા પોલીસે મોટી ખરજ ગામે બળિયાદેવના મંદિર પાસે રોડ પર જરૂરી વોચ ગોઠવી હતી. તે વખતે પાયલોટિંગ કરી રહેલી બે બાઈકોની પાછળ બિયરના જથ્થા સાથે આવતી બાતમીમાં દર્શાવેલ જીજે 07-બીઆર -0008 નંબરની ગાડી દૂરથી આવતી નજરે પડતા વોચમાં ઉભેલ દાહોદ તાલુકા પોલીસ સાબદી બની હતી. તે વખતે પાયલોટિંગમાં આગળ ચાલતી બંને બાઈકોના ચાલકોએ પોલીસની વોચ જોઈ લેતા તે બંને જણા પોતાના કબજાની બાઈકો ત્યાં જ મૂકી નાસી ગયા હતા. જ્યારે ગાડીને વોચમાં ઉભેલ પોલીસે પકડી પાડી તેના ચાલક મોટી ખરજ ગામના સાવનભાઈ શંકરભાઈ ભાભોરની અટકાયત કરી સ્કોર્પિયો ગાડીમાંથી રૂપિયા 43,200/- ની કુલ કિંમતની માઉન્ટસ બિયરની બોટલ નંગ-360 પકડી પાડી સદર બીયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ચાર લાખની કિંમતની સ્કોર્પિયો ગાડી તથા પાયલોટિંગ કરી રહેલ રૂપિયા બે લાખની કુલ કિંમતની બે મોટર સાયકલો તેમજ પકડાયેલ ગાડીના ચાલક સાવનભાઈ ભાભોર પાસેથી પકડેલ રૂા. 10,000/- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,53,200/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ સ્કોર્પિયો ગાડીના ચાલક સહિત કુલ સાત જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.