દાહોદના ખંગેલા ગામે ગાડીનો કાચ તોડવા બાબતે બન્ને પક્ષે છુટા હાથે મારામારી

દાહોદ, દાહોદ તાલુકાના ખંગેલા ગામે ક્રુઝર ગાડીનો કાંચ તોડવા મામલે બે પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી તેમજ લાકડીઓ વડે થયેલ મારામારીમાં મહિલા સહિત 06 વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં સામસામેથી બંન્ને પક્ષો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના ખંગેલા ગામે નવાપુરા ફળિયામાં રહેતાં ગોરચંદભાઈ ઉર્ફે ગોરધનભાઈ વિરાભાઈ અમલીયારે કતવારા પોલીસ મથકે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.25મી માર્ચના રોજ ખંગેલા ગામે સેતુ તરફ જવાની ચોકડી ઉપર પોતાના ગામમાં રહેતાં જાલુભાઈ તેજીયાભાઈ મેડા, ફતીયાભાઈ સમુભાઈ મેડા, નરૂભાઈ સમુભાઈ મેડા તથા શત્રુભાઈ સમુભાઈ મેડાઓએ ગામમાં રહેતાં શૈલેષભાઈ જાલુંભાઈ તથા અંકીતભાઈ સબુરભાઈ સંગાડાઓએ ક્રુઝર ગાડીનો કાચ કેમ તોડેલ છે, તેમ કહી તેમની સાથે બોલાચાલી ઝઘડો કરી મારામારી કરતાં હોય ગોરચંદભાઈ ઉર્ફે ગોરધનભાઈ તથા તેમના પરિવારજનો તેમને વચ્ચે છોડવવા પડ્યાં હતાં ત્યારે ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ગોરચંદભાઈ ઉર્ફે ગોરધનભાઈ અને અંકિતભાઈ વિગેરેને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

જ્યારે સામાપક્ષેથી દાહોદ તાલુકાના ખંગેલા ગામે મોટા ફળિયામાં રહેતાં ફતીયાભાઈ સમુભાઈ મેડા દ્વારા કતવારા પોલીસ મથકે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.25મીના રોજ ફતીયાભાઈના ભત્રીજા જાલુંભાઈની ક્રુઝર ગાડીનો ડ્રાઈવર સાઈડનો સાઈડ ગ્લાસ પોતાના ગામમાં રહેતાં શૈલેશભાઈ જાલુભાઈ સંગાડા તથા અંકીતભાઈ સબુરભાઈ સંગાડા (રહે. મધ્યપ્રદેશ) નાઓએ તોડી નાંખતાં તેઓની સાથેના અન્ય સમસુભાઈ છગનભાઈ અમલીયાર તથા ગોરચંદભાઈ વિરાભાઈ અમલીયારનાઓ જાલુભાઈની સાથે આ ચારેય વ્યક્તિઓ ખંગેલા ગામે સેતુ તરફ જવાની ચોકડી ઉપર ઝઘડો તકરાર કરી રહ્યાં હતાં અને જાલુભાઈને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર મારતાં હતા. ત્યારે ફતીયાભાઈ તથા તેમની સાથે લાજુબેન વચ્ચે છોડવવા પડતાં અને કહેવા જતાં ઉપરોક્ત ચારેય ઈસમોએ ફતીયાભાઈ, લાજુબેન તથા જાલુંભાઈને ગડદાપાટ્ટુનો તેમજ લાકડી વડે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.