દાહોદના ખંગેલા ગામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થતાં ડે.સરપંચને ચાર્જ સોપ્યો

દાહોદ,દાહોદ તાલુકાના ખંગેલા ગામની 16 સભ્યો ધરાવતી પંચાયતમાં વર્તમાન સરપંચ વિરૂધ્ધ સભ્યોએ મનમાની અને અવગણના જેવા આરોપી મુકી અવિશ્વાસ ની દરખાસ્ત દાખલ કરી હતી. આ દરખાસ્ત પસાર થઈ જતાં હાલ ઉપ સરપંચને ચાર્જ સોંપાયો છે.

ખંગેલા ગામના સરપંચ મનનુભાઈ વસનાભાઈ મેડા વિરૂધ્ધ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજુ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ અવિશ્વાસ દરખાસ્ત મુકવા પાછળના કારણોમાં સરપંચ મનુભાઈ સામે તેઓ દ્વારા પંચાયતના વહિવટને લગતી બાબતોમાં ખંગેલા પંચાયતના ઉપસરપંચ કે સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના નિર્ણયો લેવામાં આવે છે. પંચાયતને લગતી સરકારની યોજનાઓમાં વિકાસના કામોમાં પંચાયત બોડીના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કામગીરી કરવાના આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. આ મામલે પંચાયતના સભ્યોની બેઠક બોલાવીને અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સરપંચ મળીને કુલ 17 સભ્યોમાંથી સરપંચની વિરૂધ્ધમાં 14 મત પડતાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થઈ ગયો હતો. ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સરપંચ 08 જાન્યુઆરીથી હોદ્દો ધરાવતાં બંધ થવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ખંગેલા ગ્રામ પંચાયતની કારોબારી સત્તા વાપરવા ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાનો ચાર્જ ઉપસરપંચ મેડા કાન્તાબેનને સોંપવામાં આવ્યો હતો.