દાહોદ, ઝાલોદના ડગેરીયા ગામના સુનિલ દેવધાને પેટમાં દુખતાં તા.22મીએ દાહોદના નાયક હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જેમાં ડોક્ટરે તપાસ કરી એપેન્ડીક્સનું ઓપરેશન કરવુ પડશે તેમ જણાવ્યું હતું. તા.23મીએ સવારે ડોક્ટરે એપેન્ડીક્સનું ઓપરેશન કર્યુ હતું. બાદ બીજા દિવસે સવારે તેનો ભાઇ સુરેશ ખબર પુછવા આવતાં સુનિલે તેને જણાવેલ કે મને હજુ પેટમાં દુખે છે અને ટાંકા લીધા ત્યાંથી પરૂ જેવુ નિકળે છે. જેથી સુરેશે ડોક્ટરને વાત કરતાં મારે ખોલીને જોવુ પડશે અને બીજી વાર ઓપરેશન કરવુ પડશે તેમ ડોક્ટરે જણાવતાં પરિવારે બીજી વાર ઓપરેશન કરવા માટે હા પાડી હતી. ત્યાર બાદ તા.26મીએ સાંજે બીજી વાર ઓપરેશન કર્યુ હતું.
બીજા દિવસે બપોરે ડોક્ટરે સુનિલને તપાસી શરીરમાં ઝેર પ્રસર્યું છે કહી વડોદરા ગ્લોબલ સન સાઇન માં રિફર કર્યા હતા. એમ્બ્યુલન્સમાં સુનિલને વડોદરા લઇ જતા હતા. ત્યારે રસ્તામાં હાલોલ પાસે રસ્તામાં સુનિલનું મોત નિપજ્યું હતું. છતાં પરિવાર તેને વડોદરા લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપાસી સુનિલને મૃત ઘોષિત કર્યો હતો. તબીબની બેદરકારીથી મોત નીપજ્યાના આક્ષેપ સાથે ટોળાએ દવાખાના બહાર હોબાળો મચાવ્યો હતો. પોલીસે સમજાવટ બાદ મૃતદેહ દવાખાને લઇ જવાયો હતો. પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધ્યો હતો.