દાહોદ,
દાહોદ તાલુકાના કતવારા ગામે જમીનમાં ખેંડાણ કરવાના મામલે થયેલ ઝઘડામાં એક વ્યક્તિને ડાંગ તથા ગડદાપાટુનો મારમારી હાથ ભાંગી નાંખી ગંભીર ઈજાઓ કરી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.
કતવારા ગામે વણકરવાસમાં રહેતા ભુરાભાઈ નરસીંગભાઈ પરમાર, મહેશભાઈ નરસીંગભાઈ પરમાર, નુરીબેન નરસીંગભાઈ પરમાર તથા સવલીબેન મહેશભાઈ પરમાર એમ ચારે જણા તેમના ફળિયાના નંદાભાઈ મનજીભાઈ પરમારના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડવા આવેલા હોઈ જેથી નંદાબેન મનજીભાઈ પરમાર તથા તેમના ઘરના માણસોએ તેઓને ખેતરમાં ખેડવાની ના પાડતાં ઉપરોક્ત ચારે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને નંદાભાઈ પરમાર તથા તેમના ઘરના સભ્યોને બેફામ ગાળો આપી દલાભાઈ મનજીભાઈ પરમારને ભુરાભાઈ નારસીંગભાઈ પરમારે જમણા હાથે કોણીની નજીક ડાંગ મારી હાથ ભાંગી નાંખી ગંભીર ઈજા કરી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે કતવારા ગામે વણકરવાસમાં રહેતા નંદાભાઈ મનજીભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલિસે કતવારા વણકરવાસમાં રહેતા ભુરાભાઈ નરસીંગભાઈ પરમાર, મહેશભાઈ નરસીંગભાઈ પરમાર, નુરીબેન નરસીંગભાઈ પરમાર તથા સવલીબેન મહેશભાઈ પરમાર વિરૂધ્ધ ઈપિકો કલમ 323, 325, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટ કલમ 135મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.