
દાહોદ,દાહોદ શહેરમાં કસ્બા વિસ્તારમાં સફાઈ કર્મચારીને એક દુકાનદારે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલતાં આ મામલે સફાઈ કામદારો દ્વારા દુકાનદાર વિરૂધ્ધ કાર્યવાહીની માંગ સાથે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે રજુઆત કરવી હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં સફાઈ કામદારો રાત દિવસ શહેરને સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરી રહ્યાં છે. દાહોદ શહેરમાં ઠેર ઠેર સફાઈ કર્મચારીઓ ગલી, મહોલ્લા, શેરી, સોસાયટીઓ ખાતે સફાઈ કર્મચારીઓ સાફ સફાઈની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે ગતરોજ દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરી કરી રહ્યાં હતા. ત્યારે એક દુકાનની આગળથી કચરો ઉઠાવવા માટે દુકાનદારે એક સફાઈ કર્મચારીને જણાવતાં સફાઈ કર્મચારીએ પાછળ કચરાની ગાડી આવે છે. તેમાં નાંખી દો, તેમ જણાવતાં દુકાનદાર એકદમ ઉશ્કેરાયો હતો અને સફાઈ કર્મચારીને બેફામ ગાળો બોલી, જાતિ અપમાનિત શબ્દો બોલી ગળુ પકડી લીધું હતું. ત્યારે આસપાસથી અન્ય સફાઈ કર્મચારીઓ અને અન્ય લોકો દોડી આવ્યાં હતાં અને સફાઈ કર્મચારીને છોડવ્યો હતો. ત્યારે સફાઈ કર્મચારી સાથે આવા વર્તનથી લઈ દાહોદ શહેરના તમામ સફાઈ કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ મામલે સફાઈ કર્મચારીઓ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે પહોંચી દુકાન સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસ મથકે રજુઆત કરવામાં આવી હતી.