દાહોદના કંબોઈ ગામે ખેતરમાં કામ કરતાં 6 લોકોને જંગલી ભુુંડના હુમલામાં ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયા

દાહોદ,દાહોદ તાલુકાના કંબોઈ ગામે ખેતરમાં કામ કરી રહેલ લોકો પર જંગલી ભુંડ દ્વારા હુમલો કરતાં ભુંડના હુમલામાં 06 લોકોને શરીરે ઈજાઓ થતાં તમામને દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદના કંબોઈ ગામે જંગલી ભુંડનો આતંક સામે આવ્યો છે જેમાં આજરોજ વહેલી સવારે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર જંગલી ભુંડે હુમલો કરતાં 06 લોકોને ભુંડે હાથે, પગે બચકા ભરી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડધામના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જંગલી ભુંડે મુંગા પશુઓ પર પણ હુમલો કરે તે પહેલા સ્થાનીક લોકોએ ભુંડના હુમલાથી મુંગા પશુઓને બચાવી લીધાં હતાં. ઈજાગ્રસ્ત 06 લોકોને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ભુંડના હુમલાને પગલે ગ્રામજનોમાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. ગ્રામજનોમાં એક પ્રકારનો ભયનો માહૌલ પણ જોવા મળી રહ્યો છે.