દાહોદના કાળી તળાઇ બસ સ્ટેશન પાસેથી દેશી કટ્ટા અને 4 જીવતા કારતુસ સાથે ઈસમ ઝડપ્યો

દાહોદ તાલુકા પોલીસે કાળી તલાઈ બસ સ્ટેશન પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ચાર જીવતા કારતુસ સાથે એક શંકાસ્પદ લાગતા ઈસમને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોતાના ઉપરી અધિકારીની સૂચનાથી પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ પેટ્રોલિંગમાં નીકળેલા દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.ડી.સોનેરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુલાબી કલરની ટીશર્ટ પહેરેલ એક ઈસમ કાળી તળાઈ બસ સ્ટેશન પાસે ગેરકાયદેસર હથિયાર લઈને બેઠેલ છે.

જે બાતમીને આધારે પીએસઆઇ એ ડી સોનેરી પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને લઈ બાતમી વાળી જગ્યાએ દોડી ગયા હતા અને ત્યાં બેઠેલ ગુલાબી કલરની ટીશર્ટ પહેરેલ શંકાસ્પદ ઈસમને વ્યુહાત્મક યુક્તિ પ્રયુક્તિ કરી ચારે બાજુથી ઘેરી લઈ ઝડપી પાડ્યો હતો. અને તેની અંગઝડતી લઈ કમરમાં પેન્ટના નેફામાં ખોસીને રાખેલ રૂપિયા 2000/ની કિંમતનો દેશી હાથ બનાવટનો કટ્ટો (અગ્નિશસ્ત્ર) તથા રૂપિયા 200/-ની કુલ કિંમતના જીવતા કારતુસ નંગ-4 મળી રૂપિયા 2,200/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ તે ઇસમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેને પોતાનું નામ મિનેષભાઈ છગનભાઈ પલાસ રહેવાસી વાંદરીયા પટેલ ફળિયા તાલુકા/ જીલ્લા દાહોદ હોવાનું જણાવ્યું હતું. આ મામલે દાહોદ તાલુકા પોલીસે ઝડપાયેલા મિનેષભાઈ છગનભાઈ પલાસ વિરૂદ્ધ આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.