દાહોદ, ઇન્દોર અમદાવાદ હાઈવે પર દાહોદ નજીક જાલત ગામે ગત મધરાતે મોટરસાયકલ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યાનું તેમજ ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક લઈ ફરાર થઈ ગયાનુ પોલીસ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.
દાહોદ શહેર સહિત જીલ્લામાં દિન- પ્રતિદિન માર્ગ અકસ્માતોની ઘટનાઓનો ગ્રાફ ઊંચેને ઊંચે જતો જોવા મળી રહ્યો છે. જેમાં અસંખ્ય નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. તેવા સમયે ગતરોજ રાત્રિના 12:00 વાગ્યાના સુમારે દાહોદ ઇન્દોર હાઇવે પર આવેલ જાલત ગામેથી એક મોટરસાયકલ ચાલક પોતાના કબજાની મોટરસાયકલ લઈ દાહોદ તરફ આવી રહ્યો હતો. ત્યારે ઇન્દોર તરફથી યમદૂત બની માતેલા સાંઢની જેમ ધસમસતી આવતી ટ્રકે મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ટ્રકના ટાયરોમાં ફસાતા મોટરસાયકલ ચાલકને મોટરસાયકલ સાથે 600 મીટર સુધી ટ્રકે ઘસડીને લઈ જતા મોટરસાયકલ ચાલકનું શરીર સંપૂર્ણ કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક પોતાના કબજાની ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો. સદર ગમખ્વાર ઘટનાની જાણ દાહોદ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે તાબડ તોબ દોડી આવી હતી. અને મૃતકની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી આ સંબંધે તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ ટ્રક ડ્રાઇવરને ટ્રક સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપી કાયદેસરની કાર્યવાહી કરી છે.