- પોલીસની એન્ટ્રીથી રંગમાં ભંગ પડ્યો, સાત મોબાઈલ ફોન સહિત પોણા બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો.
દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ધમધમતા શ્રાવણીયા જુગારગામ પર પોલીસની એન્ટ્રી થતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.જોકે પોલીસે ઘેરો ઘાલી આઠ જેટલા ગેમ્બલરોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.પોલીસે ઉપરોક્ત જુગારીઓ પાસેથી સાત મોબાઈલ ફોન, રોકડ તેમજ અંગ જડતી દરમિયાન મળેલ રકમ મળી કુલ 1,77,450 ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઇ આઠેય શકુનિઓ વિરુદ્ધ જુગાર ધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલભેગા કર્યા છે.
શ્રાવણ માસ દરમિયાન દાહોદ જિલ્લામાં કેટલાક સ્થળે શ્રાવણીયો જુગાર રમવાની પરંપરા પ્રચલિત હોય તેમ જુગાર ધામ ધમધમતા હોવાની બૂમો ઉઠતાં દરમિયાન ડીવાયએસપી જગદીશ ભંડારીની બાતમીના આધારે દાહોદ એ ડિવિઝન પોલીસે ગોવિંદ નગર સ્વપ્ન લોક સોસાયટીની પાસે આવેલા ખુશી ટાવરના પાર્કિંગની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગાર ધામ પર પોલીસ ની એન્ટ્રી થતા રંગમાં ભંગ પડ્યો હતો.
પોલીસને જોઈ ઉપરોક્ત જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી.જોકે પોલીસે ઘેરો ઘાલી દરોડા પાડતા સ્થળ પરથી લલિત ગોપાલભાઈ પંચાલ રહેવાસી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં,ભાવેશ કિશનલાલ પટેલ રહેવાસી સ્વપ્ન લોક સોસાયટી ની બાજુમાં, અનુપ અનિરુદ્ધભાઈ શાહ રહેવાસી ખુશી ટાવર, સ્વપ્નલોક સોસાયટી, પ્રિતેશ સુરેશભાઈ અગ્રવાલ રહેવાસી ખુશી ટાવર,સલીન ભુપેન્દ્રભાઈ શાહ રહેવાસી ખુશી ટાવર, અંકિત સુભાષચંદ્ર તલાટી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં પરીન અશોક શાહ રહેવાસી સ્વપ્નલોક સોસાયટીની બાજુમાં તથા અન્ય એક વ્યક્તિ મળી આઠ જેટલા ખેલીઓને જુગાર રમતા ઝડપી તેમની પાસેથી દાવ પર મુકેલા 5100, અંગજડતી દરમિયાન મળેલ 48,850, તેમજ 1,23,500 ના સાત મોબાઈલ મળી કુલ 1,77,450 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે ઉપરોક્ત આઠેય જુગારીયા વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.