દાહોદના ગોવિંદનગર વિસ્તારની કૃષ્ણનગર સોસાયટી સહિતની અન્ય સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન

દાહોદ,દાહોદ શહેરના ગોવિંદનગર સ્થિત જુના વોર્ડ નંબર 4 વિસ્તાર એવા કુષ્ણનગર સોસાયટી તથા આસપાસની ચારથી પાંચ જેટલી સોસાયટી મળી 100થી 200 જેટલા ઘરોમાં છેલ્લા 03 મહિના ઉપરાંતના સમયથી પીવાનું પાણી નહીં મળતું હોવાની લોકબુમ ઉઠવા પામી છે. આ વોર્ડમાંથી ચુંટાયેલા સ્થાનીક પ્રતિનિધિ (કાઉન્સીલર)ના ચુંટણી સંપન્ન થયા પછીની પરંપરા અનુસાર દર્શન દુર્લભ થથાં ટેલીફોનીક રજુઆત કર્યા બાદ લેખીત રજુઆત કરી હોવા છતાં આ વિસ્તારની પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે. એટલુંજ નહીં સ્માર્ટ સીટી અંતર્ગત લગાવવામાં આવેલ પીવાના પાણીના મીટરો પણ શોભાના ગાંઠીયા સમાન જોવા મળે છે.

રાજ્ય સરકારની ઘર ઘર નળ અને નલ સે જળ યોજનાને જોતા કૃષ્ણ નગર સોસાયટી તથા અન્ય વિસ્તારમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં નહીં મળતાં રાજ્ય સરકારની આવી યોજના ફારસરૂપ સાબિત થઈ રહી છે. અગાઉ કૃષ્ણ નગર સોસાયટીથી 200 મીટરના દાયરામાં રોડ રસ્તાનું આડેધડ ખોદકામ થતાં 03 સ્થળેથી નગર પાલિકાની પાણીની પાઈપ લાઈનામાં મસમોટા ગાબડા પડ્યાં હોવાનું અનુમાન લગાવી શકાય છે. જેથી કરીને જુના વોર્ડ નંબર-04 વિસ્તારમાં આવેલ કૃષ્ણ નગર સોસાયટી, સાનિધ્ય ટેનામેન્ટ, તપોવન, સહયોગ નગર વિગેરે વિસ્તારમાં પીવાના પાણીનો સ્ત્રોત જાણી બુઝીને છોડવામાં આવતો નથી કે પછી લાઈનમાં ખામી સર્જાયેલ છે તેની યોગ્ય તપાસ કરી વોટર સપ્લાય વિભાગના અધિકારી તથા ચુંટાયેલા સ્થાનીક પ્રતિનિધિઓએ આ વિસ્તારને સત્વરે પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળે તેવું આયોજન તાત્કાલિક અસરથી કરવાની તાતી જરૂરીયાત વર્તાય રહી છે નહીં તો આવનાર સમયમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન વિકટ બનતો જશે.