દાહોદના ગોદી રોડ વિસ્તારમાં આખલાઓના ત્રાસથી રાહદારીઓના જીવ જોખમમાં

દાહોદ,દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં અખલાઓના જાહેર યુધ્ધને પગલે વાહન ચાલકો તેમજ રાહદીરાઓ પોતાના જીવને જોખમમાં મુકી પસાર થઈ રહ્યાં છે. સાંજ પડતાંની સાથે આ વિસ્તારમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. ટ્રાફિકના સમયે પણ આખલાઓ જાહેરમાં બાખડતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દાહોદ નગરપાલિકા તંત્ર આવા રખડતા પશુઓનું યોગ્ય નિકારણ કરે તેવી લાગણી અને માંગણી દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.

દાહોદ શહેરના સ્માર્ટ સીટી જાહેર થયાંને વર્ષો વિતી ગયાં છે પરંતુ સ્માર્ટ સીટીના નામે માત્ર રસ્તાઓ પહોંળા કરવાની કામગીરી સિવાય દાહોદ શહેરમાં આંખે વળગે તેવી કામગીરી જોવા મળી રહી નથી. તેમાંય ખાસ કરીને દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ કોઈ નવી વાત નથી. દરરોજ શહેરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓના જાહેરમાં યુધ્ધને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયાં છે, ત્યારે દાહોદ શહેરના ગોદી રોડ પર જાહેરમાં આખલાઓના યુધ્ધને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જીવના જોખમે પસાર થવાનો વારો આવી રહ્યો છે. અગાઉ ભુતકાળમાં પણ જાહેરમાં બખડતા પશુઓના કારણે લોકોને શરીરે ઈજાઓ પહોંચ્યાંના તેમજ વાહનોને નુકસાન તેમજ વેપારીઓની દુકાનોને પણ નુકસાન થયાંના બનાવો બની ચુક્યાં છે. દાહોદ શહેરમાં રખડતા રસ્તાની વચ્ચો વચ્ચ અડીંગો જમાવી બેસી રેહતાં હોય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવી રહી છે. ગોદી રોડ પર પટેલ હોટેલથી લઈ અગ્રેસર ભવન સુધીના માર્ગ પર જાહેરમાં આખલાઓના યુધ્ધના કારણે લોકો હેરાન પરેશાન બની ગયાં છે. દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પુરવા માટે થોડા મહિનાઓ પહેલા એક એજન્સી પણ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ એજન્સીની પણ કામગીરી શહેરમાં જોવા મળી રહી નથી. ત્યારે ભવિષ્યમાં આવા રખડતા પશુઓ અને જાહેરમાં યુધ્ધ કરતાં આવા પશુઓને કારણે કોઈ મોટી જાનહાની સર્જાય તે પહેલા પાલિકા તંત્ર આ મામલે યોગ્ય નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે.