દાહોદના ગલાલીયાવાડ વિસ્તારમાં મહુડી ઝોલા ફળીયામાં નલ સે જલ યોજના માત્ર કાગળ ઉપર હોવાના આક્ષેપ

દાહોદ, દાહોદ શહેરના ગલાલીયાવાડ વિસ્તારમાં મહુડી ઝોલા ફળિયા ખાતે નળ સે જળ યોજનાનો ફિયાસ્કો થવા પામ્યો છે. આ યોજના માત્રને માત્ર કાગળ પર હોવાના આક્ષેપો થવા માંડ્યાં છે. સ્થાનીક નેતાઓ તેમજ સંલગ્ન તંત્રના અધિકારીઓની મીલીભગતના કારણે નળ સે જળ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સ્થાનીકો દ્વારા કરવામાં આવ્યાં છે.

હાલ કાળઝાળ ગરમીની વચ્ચે દાહોદ જીલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. જીલ્લાની શહેરી પ્રજાથી લઈ ગ્રામીણ પ્રજા ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહી છે. દાહોદ જીલ્લાના ઘણા તાલુકાઓ, શહેરી વિસ્તારો, ગ્રામીણ વિસ્તારોમાં નળ સે જળ યોજનાનો ફિયાસ્કો થવા પામ્યો છે. નળ સે જળ યોજના દાહોદ જીલ્લામાં માત્ર કાગળ પર હોવાની બુમો ઉઠવા પામી છે. નળ સે જળ યોજનામાં પણ કૌંભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે દાહોદ શહેરમાં આવેલ ગલાલીયાવાડ વિસ્તારમાં મહુડી ઝોલા ફળિયા ખાતે ભરઉનાળે લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. આ વિસ્તારમાં નળ સે જળ યોજના માત્રને માત્ર કાગળ પર હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. અહીંના સ્થાનીક કેટલાંક સ્થાનીક લોકોના ઘરની આગળ નળ સે જળ યોજનાની પાઈપો અને નળ તો નાંખી દેવામાં આવ્યાં છે પરંતુ નળ માંથી માત્ર હવા આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. નળમાંથી પાણી આવતું નથી. લોકો ટેન્કરો મારફતે પાણી લાવવા મજબુર બન્યાં છે. અહીંના સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર તેમજ અધિકારીઓની મીલીભગતના કારણે નળ સે જળ યોજના માત્ર કાગળ પર હોવાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે. આ મામલે અહીંની સ્થાનીક મહિલાઓ દ્વારા સંલગ્ન તંત્રને લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.