
દાહોદ, દાહોદ જીલ્લાના ફુલપરી ગામે ગતરોજ વહેલી સવારના સમયે એક આદમ ખોર દિપડાએ ઘરમાં એક ખાટલા પર સુઈ રહેલ બે સગી બહેનો બાળ અવસ્થાની જેઓને દિપડાએ ખાટલા પરથી ખેંચી કાઢી ઘરની બહાર લઈ જઈ મોઢાના ભાગે તેમજ માથા ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડતા ઘરમાં બુમાબુમ થઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં ત્યારે દિપડાએ બંન્ને બાળકીઓને લોહી લુહાણ હાલતમાં સ્થળ પર મુકી નાસી જતાં બંન્ને બાળકીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ફુલપરી ગામે રહેતાં અંકિલભાઈ બચુભાઈ ડામોર વહેલી સવારના ત્રણેક વાગ્યાના આસપાસ પોતાના ઘરની બહાર લઘુશંકા માટે નીકળ્યાં હતા ત્યારે ઘરનો ઓસરીનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો અને તેજ સમયે એક આદમ ખોર દિપડો ઓસરીમાં ઘુસી ગયો હતો જ્યાં ઓસરીમાં ખાટલામાં મીઠી નિંદર માણી રહેલ અંકિલભાઈને બે દિકરીઓ જેમાં વસનાબેન (ઉ.વ.03) અને કાવ્યાબેન (ઉ.વ.5) આ બંન્ને દિકરીઓને આદમ ખોર દિપડાએ તરાપ મારી બંન્ને દિકરોને ખાટલા પરથી ખેંચી કાઢી ઘરની બહાર લઈ ગયો હતો જ્યાં દિપડાએ બંન્ને બાળાઓ ઉપર જીવલેણ હુમલો કરી મોઢાના ભાગે તેમજ માથાના ભાગે બચકા ભરી તેમજ પંચા મારી લોહીલુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બંન્ને બાળકીઓના રડવાનો અવાજ થતાં દોડી આવેલ અંકિલભાઈએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકોને આવતાં જોઈ આદમ ખોર દિપડો નાસી છુટ્યો હતો. ઘટનાને પગલે ગ્રામજનોમાં દિપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બંન્ને ગંભીર ઈજાગ્રસ્ત બાળકીઓને પ્રથમ લીમખેડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે બંન્ને બાળકીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વહેલી પરોઢે દોડી આવેલ નજીકના જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સ્થળની મુલાકાત કરી હતી. દિપડાને પકડી પાડવામાં માટે જંગલ ખાતાના અધિકારીઓએ ફુલપરી ગામે બે પાંજરા મુકવામાં આવ્યાં છે.